એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે દોઢ માસમાં રૂા.2352 કરોડના ડ્રગ્સ સાથે આઠ વિદેશીને ઝડપી 407 કિલો ડ્રગ્સ કબ્જે કર્યું
ઇરાનના માછીમારો પાકિસ્તાનના ગ્વાદર બંદર પરથી હેરોઇનનો જથ્થો લાવ્યાની શંકા
ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા ફરી એક વખત સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓખાથી 190 માઈલ દુર દરિયામાંથી 425 કરોડ રૂપિયાના 61 કિલો ડ્રગ્સ સાથે ભારતીય જળ સીમામાં પ્રવેશેલી ઈરાની બોટ અને તેમા રહેલા 5 ઈરાનીઓને પકડી પાડી પૂછતાછ માટે ઓખા લાવવામાં આવ્યા છે.
વિગતો મુજબ ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ઓખા કિનારેથી 340 કિલોમીટર એટલે કે 190 માઈલ દુર દરિયામાં ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ જણાતા તેનો પીછો કરવામાં આવતા આ બોટ ભગાડી મુકવામાં આવી હતી જેથી આઇ.સી.જી જહાજો દ્વારા આ બોટ રોકીને ચેક કરતા તેમાંથી ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ શખસો મળી આવ્યા હતા જે એટીએસના સ્ટાફને જોઈ શંકાસ્પદ વર્તન કરવા લાગતા વધુ શંકા જતા જહાજમાં તપાસતા તેમાંથી અંદાજે 425 કરોડ રૂપિયાનું 61 કિલો ડ્રગ્સ મળી આવતા પાંચેયની ધરપકડ કરી બોટ વધુ તપાસ અર્થે ઓખા લઇ જવામાં આવી હતી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસને સફ્ળતા મળી છે.અરબી સમુદ્રમાં પૂર્વ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે, ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે. જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધ દરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. જેથી ટીમ દ્વારા આરોપીની આ દિશામાં પૂછપરછ હાથધરી છે.