હનીટ્રેપ, માથાભારે, વ્યાજના ધંધાર્થી અને બુટલેગરને જેલમાં ધકેલાયા
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા માથાભારે, બુટલેગર, વ્યાજના ધંધાર્થી અને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવતી યુવતી સહિત પાંચની પાસા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરતા પોલીસે પાંચેયના પાસાના વોરન્ટની બજવણી કરી અલગ અલગ જેલ હવાલે કર્યા છે.
ચુનારાવાડ વિસ્તારમાં રહેતી જાનકી કનક પ્રજાપતિ નામની 26 વર્ષની યુવતીએ રંગીન મિજાજીઓને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવવાના ચાર જેટલા ગુનામાં પકડાતા તેની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવી છે. જ્યારે તેના સાગરીત રૈયાધાર વિસ્તારમાં રહેતા જીતુદાન ઉર્ફે ભુરો બાણીદાન ગઢવી સામે હનીટ્રેપ સહિત પાંચ ગુના નોંધાતા તેના પાસાના વોરન્ટની બજવણી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કરી વડોદરા જેલહવાલે કરાયો છે.
બાબરીયા કોલોની પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ સામે મારામારી અને દારુના 16જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ અટકાયત કરી ભક્તિનગર પોલીસે સુરત જેલ હવાલે કર્યો છે. આનંદનગર કવાર્ટરમાં રહેતા તેના ભાઇ રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ નામના શખ્સ સામે હત્યા, લૂંટઅને દારુના 36 જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કર્યો છે. અને રણછોડનગરના અકિબ ઉર્ફે હક્કો રફીક મેતર નામના શખ્સ સામે તાજેતરમાં જ વ્યાજની પઠાણી ઉઘરાણી અને મારામારીના ગુના નૌંઘતા તેની પાસા હેટળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરા.યો છે.