બાવાવાળા પરા વિસ્તારમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા
જેતપુરના આઠથી દસ ગામોને અવર જવરનો ભાદર નદી પરનો બેઠી ઢાબીનો પુલ ગતરાતના નદીમાં આવેલ ભારે પુરને કારણે ધોવાય ગયો હતો. પુલ પરની કોંક્રેટની લેયર તૂટીને નદીમાં વહી જતાં વાહન ચાલકોને જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે. હાલ પૂરતો વાહન વ્યવહાર ચાલી શકે તે માટે પુલના તૂટેલ ભાગ પર ગ્રીટ નાખી પુલને રીપેર કરવાની માંગ ઉઠી છે.dd
ભાદર નદી પરનો દેરડીનો બેઠી ઢાબી તરીકે ઓળખાતો પુલ ગત વર્ષે પુરમાં ધોવાય જતાં પ્રશાસન દ્વારા રીપેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેતપુરથી લીલાખા સુધીનો ડામર રોડના કામ અંતર્ગત તૂટી ગયેલ પુલની લેયર પણ રીપેર કરવામાં આવી હતી. એટલે એક વર્ષમાં બબ્બે વાર રીપેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગતરાતના નદીમાં પુર આવતા પુલની કોંક્રેટ ઉખડીને નદીમાં વહી ગઈ હતી.
જેને કારણે દેરડી આવાસ, દેરડી, મોણપર, ખોડલધામ, ખંભાલિડા, મશીતાળા, લીલાખા વગેરે આઠથી દસ જેટલા ગામો તેમજ જેતપુર ડાઇંગ એસોસીએશનના સીઇટીપી પ્લાન્ટે ગંદા પાણીના ટેન્કરોનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તૂટેલ પુલ પરથી વાહન ચાલકો જીવને જોખમમાં મૂકી વાહનો પસાર કરી રહ્યા છે. આ પુલ પર હંગામી ધોરણે વાહન પસાર થઈ શકે તે માટે પુલના તૂટેલ ભાગ પર ગ્રીટ પાથરીને પુલને વાહન વ્યવહાર માટે યંત્રવંત કરવાની ગ્રામ્ય વિસ્તારોના લોકો માંગ કરી રહ્યા છે. જેતપુર :- જેતપુરમાં પાંચ ઇંચ મુશળધાર વરસાદથી બાવાવાળાપરામાં વોંકળાના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતા અને જનતાનગર મુખ્ય રોડ પર વોકળાના પાણી રસ્તા સાથે સમથળ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.
શહેરમાં આજે બપોરના સમયે મુશળધાર વરસાદને પગલે વોકળા બે કાંઠે વહેવા લાગ્યા હતાં. જેમાં શહેરના બાવાવાળાપરા અને જીન પ્લોટ વચ્ચે આવેલ વોંકળામાં એટલો બધો કચરો આવ્યો કે વોકળાના પાણીનો નિકાલ જ બંધ થઈ ગયો હતો. અને ગંદુ પાણી વોકળો ટપી રહેણાંક વિસ્તારોમાં ઘુસવા લાગ્યું હતું. વોકળાની અંદર કચરાના ગંજ જોઈને નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉભા થયાં હતાં. વોકળામાં કચરો જામથી ગંદા પાણી વધુ વિસ્તારોમાં ન ઘૂસે તે માટે નગરપાલિકા દ્વારા ચાલુ વરસાદે જેસીબી મશીનથી વોકળા સફાઈની કામગીરી હાથ ધરી હતી.
જ્યારે જનતાનાગર મુખ્ય રોડ અને બાવાવાળાપરાના વોકળાના પાણી ટાકુડીપરા ચોક સુધી પહોંચી ગયા હતાં. વોકળાના પાણી રસ્તા સાથે સમથળ થઈ જતા રસ્તા પર વાહનોની અવરજવર થઈ બંધ થઈ ગઈ હતી. વોકળાના પાણી રસ્તા પર હોવા છતાં એક સ્કૂલની બસના ચાલકે બાળકોના જીવ જોખમમાં મૂકી બસ પાણીમાં હંકારતો જોવા મળ્યો હતો.
વિસાવદર-ભેંસાણ પંથકમાં ભારે વરસાદના પગલે
ઉબેણમાં ઘોડાપુર, બાવાપીપળીયા ગામ સંપર્ક વિહોણું
વિસાવદર-ભેંસાણ પંથકમાં બારે મેઘ ખાંગાની સ્થિતિમાં ઉબેણ નદીમાં રાતથી જ ઘોડાપુર વહી રહ્યા છે.જેતપુરથી 20 કિલોમીટર દૂર આવેલા બાવાપીપળીયા ગામ અને સીમમાં ઉબેણના પાણી ફરી વળતા આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.
અડધા ગામમાંથી નદીના પૂરના પાણી વહી રહ્યા છે. બાવાપીપળીયા અને ભાટ ગામ સહિતના ગામોમાં નદી ગાંડીતૂર બની છે. વહિવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.