સગીર વયના બાળકો ગુમ થતા અપહરણનો ગુનો નોંધાયો: પાંચેયના અપહરણ નહી પણ ફરવા આવ્યાની કબુલાત

જામનગરના પાંચ સગીર બાળકો ભેદી રીતે લાપતા બનતા પાંચેયના એક સાથે અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ રેલવે પોલીસે પાંચેયને રેલવે સ્ટેશન પાસેથી શંકાસ્પદ હીલચાલ પરથી અટકાયત કરી પૂછપરછ કરતા તેઓનું અપહરણ નહી પરંતુ પરિવારને કહ્યા વિના રાજકોટ ફરવા આવ્યાની કબુલાત આપી છે. રાજકોટ રેલવે પોલીસે પાંચેય બાળકોનો કબ્જો જામનગર બી ડિવિઝન પોલીસને સોપી દીધો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર અયાન અનવર ચૌહાણ (ઉ.વ.૧૫), જેનીલ વિરેન્દ્ર શાહ (ઉ.વ.૧૨), વિવેક અશ્વીન કડ (ઉ.વ.૧૬), જયરાજ રાકેશ કનોજીયા (ઉ.વ.૨૨) અને નદીમ હનિફ સેતા (ઉ.વ.૧૫) નામના બાળકો એક સાથે ભેદી રીતે ગુમ થતા પાંચેય બાળકોના પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા.

એક સાથે પાંચ બાળકો ગુમ થતા જામનગર સિટી બી ડિવિઝન પોલીસે પાંચ બાળકોના અપહરણ થયાનો ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી.જામનગર પોલીસે પાંચેય બાળકોના ફોટા વોટસએપમાં મુકી અપહરણ થયાનો મેસેજ વાયરલ કર્યો હતો અને અપહૃત બાળકોના મોબાઇલ નંબર ટ્રેસ કરવાનું શરૂ કરતા પાંચેય બાળકો રાજકોટ રેલવે સ્ટેશન હોવાનું લોકેશન મળ્યું હતું. દરમિયાન રાજકોટ રેલવે પોલીસ મથકના પી.આઇ. વી.એ.જેસ્વાલ અને એએસઆઇ બી.એમ. ત્રિવેદી સહિનતા સ્ટાફે પાંચેય બાળકો રેલવે સ્ટેશન નજીક શિવ શક્તિ ગેસ્ટ હાઉસમાં હોવાની મળેલી બાતમીના આધારે અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ પોતાનું અપહરણ નહી પરંતુ પરિવારને કહ્યા વિના રાજકોટ ફરવા આવ્યા હોવાનું કહ્યું હતું. રાજકોટ રેલવે પોલીસે પાંચેય બાળકોનો કબ્જો જામનગર પોલીસને સોપી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.