ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજીત સ્પર્ધામાં રાજકોટ ગ્રામ્યની ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યુ
રાજકોટની જાણીતી જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે રમત-ગમતના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓના કૌશલ્ય અનુસાર તાલીમ અને પ્રશિક્ષણ પુરુ પાડે છે. તાજેતરમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઇન્ટર ડિસ્ટ્રીક્ટ અન્ડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીનિયસ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ રાજકોટ ગ્રામ્યની ટીમમાં રમી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યુ હતુ.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ગ્રામ્યની ટીમ (ગોંડલ) સાથે પ્રતિસ્પર્ધી ટીમ તરીકે દિવ, રાજકોટ સિટી, ગાંધીનગર અને ભાવનગરની ટીમ વચ્ચે પાંચ રોમાંચક મેચ રમાડવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય ટીમના ૧૬ વિદ્યાર્થીઓ પૈકી જીનિયસ સ્કૂલના રક્ષિત મહેતા-ધોરણ ૧૨, ઓમ કાનાબાર-ધોરણ ૧૨, સુવા કશ્યપ-ધોરણ ૧૧, હર્ષિલ રાણપરિયા-ધોરણ ૧૧ અને આચાર્ય રામદેવ-ધોરણ ૧૨ એ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને તેમની ટીમને જીત અપાવી ટ્રોફી હાંસલ કરી હતી. પાંચ જુદા-જુદા મેચમાં રમાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આચાર્ય રામદેવે બે શતક અને ૨ અર્ધ શતક સાથે ૩૯૬ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, મહેતા રક્ષિતે ટુર્નામેન્ટ દરમિયાન ૧૩ વિકેટ સાથે ફાઈનલ મેચમાં ૮૦ શાનદાર રન બનાવ્યા હતા. સુવા કશ્યપ દ્વારા ૧૧૩ રન અને એક અર્ધ શતક કરવામાં આવી હતી અને કાનાબાર ઓમે ૨ મેચમાં મહત્વની ૩ વિકેટ મેળવી હતી. આ તમામ ખેલાડીઓની વિશેષ મહેનત અને શાનદાર પ્રદર્શન થકી રાજકોટ ગ્રામ્ય ટીમને ઝળહળતો વિજય પ્રાપ્ત થયો હતો.
જીનિયસ સ્કૂલ દ્વારા ઉભરતા તમામ ખેલાડીઓને ટુર્નામેન્ટ માટે તાલીમ આપવા ઉપરાંત તેમના શૈક્ષણિક સત્રમાં પણ કોઈ કચાશ ન રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જીનિયસ ગ્રુપ રમત-ગમતને શિક્ષણના એક અભિન્ન ભાગ રૂપે પ્રોત્સાહિત કરે છે અને વિવિધ રમતોમાં નિષ્ણાંત કોચ દ્વારા વિશેષ તાલીમ અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. જીનિયસ સ્કૂલના આ પાંચેય વિદ્યાર્થીઓને તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા મેળવેલ જીત બદલ અને શાળા તથા તેમના વાલીઓને ગૌરવ પ્રદાન કરવા બદલ જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન શ્રી ડી.વી.મહેતા, સી.ઈ.ઓ શ્રી ડિમ્પલબેન મહેતા, જીનિયસ સ્કૂલના સ્પોર્ટસ હેડ મનિન્દર કૌર કેશપ, સેકશન હેડ શ્રી કાજલ શુકલ, સ્કૂલ કોચ શ્રી જસપ્રિત કેશપ અને સમગ્ર જીનિયસ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.