જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ગઈકાલે પોલીસે ત્રણ શખ્સોને પૂર્વ બાતમીના આધારે રોકી પૂછપરછ કરતા પાંચ વાહન ચોરીનો ભેદ ખૂલ્યો છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે ગઈકાલે સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી પસાર થતા ત્રણ શખ્સોના કબજામાંથ રહેલું બાઈક ચોરાઉ હોવાની બાતમી પો.કો. લાભુભાઈ ગઢવી, હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળતા તેઓએ ઈન્ચાર્જ પીઆઈ એ.એલ. મકરાણીને તેનાથી વાકેફ કર્યા પછી વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન ત્યાંથી નીકળેલા મૂળ સિક્કાના અને હાલમાં બાલાચડીમાં વસવાટ કરતા ઈબ્રાહીમ મુસાભાઈ સંઘાર, ગોકુલનગરમાં રહેતા કિશન રોતુભાઈ નાઈક તથા સિક્કાના દિલીપગર ભીમગર ગોસાઈ નામના ત્રણ શખ્સોને જીજે-૧૦-બીએ ૩૯૮૭ નંબરના બાઈક સાથે રોક્યા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા ઈબ્રાહીમ મુસા સંઘારે ખોડિયાર કોલોની પાસેથી જીજે-૧૦-એએસ ૧૪૧૧, જીજે-૩-એફબી ૮૫૦૬, જીજે-૧૦-એજે ૩૭૬૫ નંબરના ત્રણ વાહન ઉપરાંત પી.એન. માર્ગ પર મોબાઈલની એક દુકાન પાસેથી સ્પ્લેન્ડર તેમજ નદીના પટમાંથી એક અન્ય મોટરસાયકલ મળી પાંચ વાહનની ચોરી કર્યાની કબૂલાત આપી છે.
ઉપરોક્ત ચોરાઉ વાહનો કબજે કરી પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ આરંભી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના પ્રતિપાલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ બચુભા, મહિપાલસિંહ જાડેજા સાથે રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,