- ફક્ત દસ દિવસના સમયગાળામાં ન્હાવા પડતા ડૂબી જવાથી 23 લોકોએ જીવ ગુમાવ્યો
- સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલી ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત
સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે. જયારે વડોદરાના શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવેલા અંકલેશ્વરના માડવા અને ભરૂચ જિલ્લાના મક્તપુરા ગામના 25 લોકોના ગૃપના બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા છે. કરજણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. બે યુવાનો ડૂબી જતાં ગૃપમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પ્રાંતિજના વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી. જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, એકજ કુટુંબની ત્રણ દીકરીઓના મોત થયા છે. જેમાં બે તો સગી બહેન હતી, આ દૂર્ઘટનાના પગલે પરિવારમાં આક્રંદ મૂક્યો છે. સમગ્ર ઘટનાના પગલે પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે ઉએ મુજબ મૃતક બાળકીના નામ રાજલબેન ગોવિંદભાઈ, કિંજલબેન ગોવિંદભાઈ, મમતાબેન દિનેશભાઈ છે.
જયારે વડોદરાની ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના અને ભરૂચ જિલ્લાના મકતમપુરા ગામના 25 જેટલા લોકોનું ગ્રુપ પિકનિક સ્પોટ બનેલા શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. જેમાંથી હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ ડૂબી જતા લાપતા થયા છે. આ બંને યુવાનોની કરજણ ફાયર બ્રિગેડના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ઘનિષ્ઠ શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે, મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો મળ્યો ન હતો. ગ્રુપના બે યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
દિવેર નર્મદા નદીમાં નાહવા માટે આવેલા ગ્રુપના પ્રદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારું ગ્રુપ નર્મદા નદીમાં નાહવાનો આનંદ લઈ રહ્યો હતો. આ દરમિયાન એક કલાક પછી ગ્રુપને હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ દેખાઈ ન આવતા શોધખોળ શરૂ કરી હતી પરંતુ, તેઓ મળી ન આવતા આખરે દિવેર ગામના તલાટીને જાણ કરી હતી.
ગામના તલાટીએ આ બનાવ અંગેની જાણ શિનોર નાયબ મામલતદારને કરી હતી અને બચાવ ટુકડી મોકલવા માટે જણાવ્યું હતું. તુરત જ નાયબ મામલતદારે કરજણ ફાયર બિગેડને કરતાં લાશ્કરો તમામ સાધન સામગ્રી સાથે આવી પહોંચ્યા હતા.
તે પૂર્વે ગામના તલાટીએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને નર્મદા નદીમાં લાપતા થયેલા બંને યુવાનોની શોધખોળ શરૂ કરાવી દીધી હતી. આમ કરજણ ફાયર બિગેડના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી બંને યુવાનોનો કોઈ પતો મળ્યો ન હતો.
મળેલી માહિતી પ્રમાણે હિતેશ પટેલ અને યશ પટેલ નર્મદા નદીમાં લાપતા થતા ગ્રુપના યુવાનો દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ દિવેર ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ શિનોર પોલીસને કરાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ઉનાળામાં ટાઢક મેળવવા નદી-તળાવમાં નાહવા પડતા ફક્ત દસ દિવસમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો છે જે પૈકી મોટાભાગના બાળકો છે. આ અગાઉ પાણીમાં ડૂબીને જીવ ગુમવી દેવાની પાંચ ઘટના પ્રકાશમાં આવી ગઈ છે.
આ અગાઉ નર્મદા, નવસારીના દાંડી, મોરબીના મચ્છું નદીમાં અને ભાવનગરના બોર તળાવમાં કુલ 18 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ પ્રાંતિજ અને વડોદરાની ઘટનાથી મૃત્યુઆંક 23ને આંબી ગયો છે.