મેલેરિયાનાં સરેરાશ રોજનાં ૩૩ કેસ સાથે ચાલુ વર્ષે ૮૨૫૩ કેસ અને ડેન્ગ્યુનાં ૧૪૨૭ કેસ નોંધાયા
ચોમાસાની ઋતુ દરમિયાન રાજયભરમાં રોગચાળો ફાટી નિકળ્યો હોય તેમ ફકત એક જ દિવસમાં રાજયભરમાં ૪૯ કેસ ડેન્ગ્યુનાં નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૪૦૦થી પણ વધુ ડેન્ગ્યુનાં કેસો નોંધાયા છે. જયારે જીવલેણ કોંગો ફિવર રોગથી પાંચ લોકોનાં મોત નિપજયાનું નોંધાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાં પણ રોગચાળાએ માથુ ઉંચકયુ હોય તેમ દિન-પ્રતિદિન ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ જેવા ફિવરમાં દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. આરોગ્યતંત્ર દ્વારા ઠેર-ઠેર દવાનો છંટકાવ કરી રોગચાળા પર કાબુ મેળવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેલેરિયામાં અત્યાર સુધી ૮૨૫૩ કેસ નોંધાયા છે. જેમાના ૮૬ કેસ ચાલુ માસમાં નોંધાયા છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ઠેર-ઠેર ભરાતા પાણીનાં ખાબોચિયા અને ગંદકીને કારણે રાજયભરમાં રોગચાળો વકર્યો હોય તેમ એક જ દિવસમાં ડેન્ગ્યુનાં ૪૯ કેસ નોંધાતા ચાલુ વર્ષે કુલ ૧૪૨૭ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે. મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળામાં દિન-પ્રતિદિન વધતા જતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ચાલુ વર્ષમાં નોંધાયેલા ૧૪૨૭ પોઝીટીવ કેસમાં જોઈએ તો સરેરાશ એક દિવસમાં ૬ પોઝીટીવ ડેન્ગ્યુનાં કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં ગત સપ્તાહમાં ડેન્ગયુએ બે યુવાનનો ભોગ લીધાનું પણ નોંધાયું હતું.
રાજયભરમાં રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજયભરમાં ચાલુ વર્ષે કુલ ૮૨૫૩ કેસ નોંધાયા છે. જેમાં ચાલુ માસમાં ૮૬ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે ૧૪૨૭ કેસ નોંધાયા છે અને માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુનાં ૪૯ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જયારે ફેલકીપીરમનાં ચાલુ વર્ષે ૨૯૧ કેસ નોંધાયા છે અને સપ્ટેમ્બર માસમાં પાંચ અને ચિકનગુનિયામાં પણ ચાલુ માસે ૧ કેસ નોંધાતા ચાલુ વર્ષની સંખ્યા ૨૧૩ સુધી પહોંચી છે.
ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોએ કહેર મચાવ્યો હોય તેમ દર્દીઓની ડેન્ગ્યુમાં સરેરાશ એક જ દિવસનાં ૬ પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે મેલેરિયામાં એક જ દિવસમાં સરેરાશ ૩૩ કેસ રાજયભરમાં નોંધાઈ રહ્યા છે. જેનાં કારણે ચાલુ વર્ષમાં જ મેલેરિયાનાં ૮૨૫૩ કેસ રાજયભરમાં નોંધાયા છે. રાજયભરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી આરોગ્યતંત્ર લડી રહ્યું હતું ત્યારે કોંગો ફિવરનાં કેસ નોંધાતા આરોગ્યતંત્રએ સર્તકતા વધારી છે. રાજયમાં કોંગોફિવરનાં કારણે સુરેન્દ્રનગરમાં ૨ અને ભાવનગરમાં એક સહિત કુલ પાંચ દર્દીઓનાં મોત નિપજયા છે. આરોગ્યતંત્ર દ્વારા ઠેર-ઠેર દવાઓનાં છંટકાવ સાથે લોકોમાં પણ રોગચાળા વિશે જાગૃત કરવા સઘન પ્રયાસો થઈ રહ્યા છે.
આરોગ્ય તંત્રનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મચ્છરજન્યો રોગોને સંવર્ધનને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં ગપ્પી માછલીઓ મુકત કરવામાં આવી હતી. રાજયભરમાં કુલ ૩૧,૯૦૦ સ્થળો પર અધિકારીઓ દ્વારા ગપ્પી માછલીઓ મુકત કરવામાં આવી છે. સાથો સાથ ગર્ભવતી માટે મહિલાઓમાં રોગચાળા વકરવાની સંભાવના વધુ હોય ત્યારે રાજય સરકાર દ્વારા કુલ ૭૭,૮૧૦ સગર્ભાઓને મચ્છરદાની આપવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, દાહોદ અને નર્મદામાં સગર્ભાઓને મચ્છરદાની આપવામાં આવી હતી.
ક્રિટીકલ કેર ફિઝીશીયન ડો.મનોજ વિઠલાણીએ જણાવ્યું હતું કે, લોકોમાં રોગચાળાની વર્તમાન પરિસ્થિતિથી ઉજાગર કરી તાવ-શરદી, ઝાડા-ઉલ્ટી, માથાનાં દુખાવો જેવા સામાન્ય તકલીફોને ગંભીરતાથી લઈ તુરંત સારવાર લેવામાં આવે તો મેલેરિયા-ડેન્ગ્યુ જેવા રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે. લોકોએ સામાન્ય તાવને પણ અવગણ્યા વગર તુરંત તબીબ પાસે સારવાર લેવી જોઈએ.
જયારે ઓર્થોપેડિક સર્જન ડો.ભાર્ગવ ભટ્ટ કહ્યું હતું કે, રોગચાળાને નાથવા માટે અગાઉથી તૈયારી હોવી ખુબ જ જરૂરી છે અને જયાં કામ સ્થળ અને પોતાના રહેણાંકની આસપાસ મચ્છરનો ઉપદ્રવ થતા અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. આરોગ્ય વિભાગની સંભાવનામાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં હળવદનાં એક પુરુષ દર્દી કે જેને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સીસીએચએફ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.