૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના: એક સાથે બે-બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ચોમાસાનું જોર વધ્યુ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશન સર્જાતા આજથી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જણાય રહી છે. બે-બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજયમાં વરસાદનું જોર વધ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે જે દરિયાઈ લેવલથી ૧.૫ કિ.મી.ની ઉંચાઈ પર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને તેની સાથે જોડાયેલા અરબી સમુદ્રમાં ૩.૧ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું હોય જેની અસરતળે રાજયમાં આજથી પાંચ દિવસ વરસાદ પડવાની પ્રબળ સંભાવના રહેલી છે. આજે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ-દમણ અને દાદરાનગર હવેલીમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. કાલથી વરસાદનું જોર વધશે અને આ વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસવાનું ચાલુ રહેશે. સતત ત્રણ દિવસ વરસાદ ચાલુ રહેશે. ૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત દિવ-દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સૂર્ય નારાયણે દેખાદેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.