1 થી 5 ઓક્ટોબર દરમિયાન રમાશે ઇરાની કપનો મેચ: સૌરાષ્ટ્રની ટીમ જાહેર
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન ડે મેચ રમાવાનો છે. ત્યારબાદ તુરંત અર્થાત્ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન ખંઢેરી ખાતે ઝેડ-આર ઇરાની કપ-2023નો સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે પાંચ દિવસીય મેચ રમાશે. જેના માટે આજે સિલેક્શન કમિટી દ્વારા ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ-2022-2023 રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની છે. આગામી 1 થી 5 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રની ટીમ ઇરાની કપમાં રેસ્ટ ઓફ પ્રેસ સામે ટકરાશે. સુકાની જયદેવ ઉનડકટના નેતૃત્વમાં ટીમની ઘોષણા કરવામાં આવી છે. ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઇ, પ્રેરક માંકડ, ચિરાગ જાની, જય ગોહેલ, પાર્થ ભૂત, વિશ્ર્વરાજસિંહ જાડેજા, સમર્થ વ્યાસ, યુવરાજસિંહ ડોડીયા, કુસંગ પટેલ, સ્નેલ પટેલ અને દેવાંગ કરમઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટ ઓફ ઇન્ડિયા સામેની ઇરાની ટ્રોફીની મેચમાં સૌરાષ્ટ્રની ટીમને હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. કારણ કે તાજેતરમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની છે અને વિજય હઝારે ટ્રોફી પણ જીતી ચુકી છે. ઘર આંગણે રમાનારી મેચમાં સૌરાષ્ટ્રને મજબૂતી મળશે. સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓ માટે સતત ક્રિકેટનો ઉત્સવ યથાવત રહેશે.