- બે વર્ષ બાદ હવે લોકમેળો યોજાશે, તંત્રની સત્તાવાર જાહેરાત: મેળાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ
- જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક : 12 સમિતિઓની રચના
- જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક : 12 સમિતિઓની રચના
કોરોના કાળને કારણે રાજકોટની શાન એવા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ બે વર્ષના અંતરાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની આગવી ઓળખ ધરાવતાં જન્માષ્ટમીના સાંસ્કૃતિક લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેના ઉપલક્ષ્યમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે મીટીંગની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, સંભવિત તા.17 ઓગસ્ટ થી તા. 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જે અંગે નિવાસી કલેકટર દ્વારા લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકો આ મેળાનો મન ભરીને આનંદ લઈ શકે તેવા નક્કર પ્રયાસો સાથે કલેકટરએ સમિતિના અધ્યક્ષોને કામગીરી કરવાની સૂચના આપી હતી. જાહેર જનતાની સુરક્ષા અર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવાની કામગીરી અંગે ખાસ સુચના આપી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નાયબ કલેકટરો, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાના કેસ વધશે તો શું ?
હાલ તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આના માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ રાજકોટમાં કોરોનાની પણ રી એન્ટ્રી થઈ છે. ગત રવિવારે કોરોનાના 4 કેસ, સોમવારે 2 કેસ અને મંગળવારે 3 કેસ નોંધાયા હતા. આમ આગામી દિવસોમાં જો કોરોના ફરી વકરે તો શું થશે તે પ્રશ્ન પણ સર્જાયો છે. બીજી તરફ બે વર્ષ લોકમેળાનું આયોજન નહોતું થયું માટે લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.