સૌ.યુનિ. અને મ્યુ. કોર્પો. આયોજિત
ગુજરાતભરના વિખ્યાત પ્રકાશકોના ૨૦૦થી પણ વધુ બુક સ્ટોલ; બાળકો માટે વિશેષ કાર્યક્રમ; રાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ વગેરે બનશે આકર્ષણનું કેન્દ્ર
શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર અનન્ય એવા લિટરેચર ફેસ્ટિવલના રંગે રંગાવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર પ્રદેશની સાહિત્ય-કલાપ્રેમી પ્રજા માટે ‘મેળો’ શબ્દ હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીંના લોકોએ દાયકાઓથી મેળાને પોતાની સંસ્કૃતિનો ભાગ બનાવ્યો છે. આગામી ૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત કળા તેમજ સાહિત્યના આ અનોખા બુક-ફેર તથા લિટરેચર ફેસ્ટિવલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સૌરાષ્ટ્રના આ પાંચ-દિવસીય શબ્દ મહોત્સવમાં અલગ-અલગ પ્રકારની વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
સર્જન વર્કશોપ, સાહિત્ય, તરવરાટ સંધ્યા, શબ્દ સંવાદ, કિડ્સ વર્લ્ડ ઉપરાંતના અનેક સેશન્સ થકી સાહિત્ય-કલાપ્રેમીઓની તૃષા સંતોષવા માટેના કાર્યક્રમો ગોઠવાયા છે. જેમાં ગુજરાતભરમાંથી પોત-પોતાના ક્ષેત્રોના નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આર.આર.શેઠ, નવભારત સાહિત્ય મંદિર વગેરે જેવા વિખ્યાત પ્રકાશકોના ૨૦૦થી પણ વધુ બુકસ્ટોલ, ઓથર્સ કોર્નર, ફૂડ-કોર્ટ, બાળકો માટેનાં વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોઈન્ટ્સ, કલા-સાહિત્ય સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ, સૌરાષ્ટ્ર ઝાંખી કરાવતું પેઈન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્રો સાથે ૯ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૯નો પાંચ દિવસનો ગાળો સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પુરવાર થશે એ વાતને ખાતરી ! રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર સૌરાષ્ટ્ર બુક-ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં પાર્કિંગ વ્યવસ્થા તદ્દન નિ:શુલ્ક રાખવામાં આવી છે.
અહીંની ધરતીએ ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ જેવા ઉત્કૃષ્ટ સાહિત્યકાર દેશને ભેટ ધર્યા છે. સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલ એ મહાનુભાવોનું સન્માન કરતી એક ભાવભીની ઘટના છે, જે રાજકોટની ધરતી પર આયોજિત થઈ રહી છે. રાજકોટ શહેર કમિશ્નર બંછાનિધિ પાની, મેયર બીનાબેન આચાર્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિલાંબરીબેન દવે તથા સિન્ડીકેટ સભ્યો તરફથી સાહિત્ય અને કલાના રસિકોને બુક-ફેર તથા લિટરેચર ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે ખાસ ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કાર્યક્રમો અંગેની વધુ વિગતવાર માહિતી પુરી પાડવામાં આવશે.