તલવાર, છરી, પાઇપ અને ધોકાથી સામસામે હુમલો: મહિલાઓ સહિત ૨૦ સામે નોંધાતો ગુનો
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં પ્રેમ લગ્નના પ્રશ્ને સશસ્ત્ર અથડામણ થતા ત્રણ મહિલા સહિત છ ઘવાયા હતા. તલવાર, છરી, પાઇપ અને ધોકાથી સામસામે હુમલો કરવા અંગે પોલીસે ૨૦ જેટલા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દોલતપરા વિસ્તારમાં રહેતા મહેશ પ્રવિમ મકવાણા નામના ૨૩ વર્ષના યુવાને તેના વિસ્તારની પૂજા સાગઠીયા નામની યુવતી સાથે છ માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી બંનેના પરિવાર વચ્ચે મનદુ:ખ થયું હતું.
પૂજા સાગઠીયાના ભાઇ અશોક વિરજી સારઠીયા, રમેશ કરશન પરમાર, વિજય રમેશ પરમાર, મહેશ કાંતી પરમાર અને દસ જેટલા અજાણ્યા શખ્સોએ તલવાર અને ધોકા-લાકડીથી હુમલો કરતા પ્રવિણભાઇ મકવાણા, નિલેશ, મધુબેન, પૂજાબેન અને મીરાબેન ઘવાયા હતા.
પોલીસે મહેશ પ્રવિણ મકવાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથધરી છે.જ્યારે મહેશ મકવાણા, પ્રવિણ મકવાણા, નિલેશ મકવાણા, મધુબેન મકવાણા અને પૂજાબેન મકવાણો છરી અને લાકડીથી હુમલો કરતા અશોક વિરજી સારઠીયા ઘવાતા તેની ફરિયાદ પરથી વળતી ફરિયાદ નોંધાઇ છે.