ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ, ગ્રીન રીવોલ્યુશન તથા સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે રૂા.૧૦૦૭ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ ધરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, દાહોદ ગાંધીનગર અને સુરત એમ ૬ શહેરોને સ્માર્ટસીટી તરીકે વિકસાવવાનો દરજ્જો આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના રૂા.૫૦૦ કરોડ અને રાજય સરકારના રૂા.૨૫૦ કરોડ તથા સબંધિત શહેરના ૨૫૦ કરોડ રૂપિયા મળીને કુલ રૂપિયા એક હજાર કરોડના ખર્ચે સ્માર્ટ સીટીને વિકાસાવાશે. આધુનિક શહેરને શોભે તેવી ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ-ગ્રીન રીવોલ્યુશન તથા સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરીને સુરત, રાજકોટ સહિત રાજયના અન્ય ચાર શહેરો વર્લ્ડ કલાસ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક જમાનામાં સુરત રોગચાળો પ્લેગનું બદસૂરત શહેર ગણાતું હતું. જે વર્તમાન સરકાર આવી ત્યારથી સુરત ખુબસૂરત-સ્માર્ટસીટી બન્યું છે. જેના વિકાસને જોવા અન્ય રાજયોની ટીમો- બહારના રાજયોના લોકો સુરતની મુલાકાતે આવી અહીના વહીવટીતંત્રની કામગીરી જુએ છે અને સુરતના વિકાસને જોઈ તેમાંથી પ્રેરણા લઈ તેમના શહેરોનો વિકાસ કરે છે તે આપણા માટે ગૌરવની વાત છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયમાં એક હજાર સાત કરોડના શહેરોના વિવિધ વિકાસ કામો કરાશે. ૧૯૯૫માં રાજયનું બજેટ માત્ર પાંચ હજાર કરોડનું હતું. આજે એકલા સુરતનું બજેટ ૫૪૦૦ કરોડનું છે. ૧૯૯૫થી અત્યાર સુધીમાં રૂા.૧.૭૨ કરોડનું બજેટ થયું છે. વિકાસની હરણફાળમાં મહેનત, પૈસા, મેનપાવર સમાજનો સહકાર અને લોકોની સહભાગીદારીથી બધુ જોડાતું હોય તેમ પણ ઉમર્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે, ખાતો નથી ખાવા દેતો નથી પ્રજાનો હિસાબ જે ટેક્ષ માફરત આવે છે તે પ્રજા માટે વપરાય, વિકાસની ચરમસીમાનો લાભ ગરીબ માનવીને હોસ્પિટલમાં સસ્તી દવા, સારવાર, શુધ્ધ પીવાનુ પાણી, રસ્તો, કૃષિ-સિંચાઈ, શિક્ષણનો વ્યાપ વધે, ગરીબ અને મધ્યમ વર્ગને ઉચ્ચ ટેકનીકલ રોજગારલક્ષી શિક્ષણનો લાભ અને રોજીરોટી મળે તે રીતે પીડીત-શોષીત ગરીબ અને આદિવાસી સૌનો પ્રમાણિકપણે સર્વાગી વિકાસ કરવાની રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
તેમણે જણાવ્યું કે, તત્કાલિન વડાપ્રધાન સ્વ.રાજીવગાંધી દિલ્હીથી એક રૂપિયો મોકલતા જેમાંથી ૧૫ પૈસા લોકો સુધી પહોચતા હતા જયારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, એક રૂપિયો મોકલીને સવા રૂપિયાનુ કામ થવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત વિકાસની વાટે કુદકેની ભુસકે આગળ વધી રહ્યું છે.
પ્રથમ પ્રિન્ટ ત્યારબાદ ઈલેકટ્રોનિકસ અને હવે સોશિયલ મીડિયાનો યુગ: મુખ્યમંત્રી રૂપાણી
પત્રિકા સમૂહ દ્વારા આયોજીત ધ આઈડિયા એન્યુઅલ ફેસ્ટ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ લોકશાહીના પાયાના ચાર આધારસ્તંભોમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર સમર્પણ સાથે દેશનું હિત જ સર્વોપરી હિત છે તેવી ભાવના સાથે કાર્ય કરીશુ ત્યારે જ બધી સમસ્યાઓનું સમાધાન થશે. ભારત જેવા મોટા લોકશાહી દેશમાં મીડિયાનું યોગદાન વિશેષ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પ્રથમ પ્રિન્ટ મીડિયા ત્યાર બાદ ઈલેકટ્રોનિકસ મીડિયા અને હવે સોશીયલ મીડિયાનો યુગ આવ્યો છે. સમયાતરે મીડિયાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે ત્યારે દુનિયા સાથે કદમ પર કદમ મીલાવીને ચાલવું પડશે.
પત્રિકા સમૂહ દ્વારા આયોજીત ધ આઈડિયા એન્યુઅલ ફેસ્ટ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ લોકશાહી પર પોતાના વિચારો રજુ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોકશાહીની અગત્યતા સમજાવતા કહ્યું કે, લોકશાહી નહી બચે તો દેશ, સમાજ અને કુટુંબ પણ નહી બચે. જેથી દેશહિતની ભાવના સાથે આગળ વધવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
સામંતશાહી, સરમુખત્યારશાહી કે પછી રાજાશાહીને બદલતા વર્ષો વિતી જાય છે જયારે લોકશાહીને પાંચ વર્ષે બદલાવી શકાય છે. તેમણે કહ્યું કે, ભારતના લોકતંત્રએ બુલેટ નહી બેલેટથી પરિવર્તન કરીને જગતને લોકશાહીના સાચા દર્શન કરાવ્યા છે.
આ પ્રસંગે પત્રિકા સમૂહના ચેરમેન ડો. ગુલાબ કોઠારીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના ઔદ્યોગિક વિકાસ, નર્મદા યોજના દ્વારા લોકોને પીવાનું પાણી પહોંચાડવા તેમજ સરકાર અને જનતા વચ્ચે સેતુરૂપ ભૂમિકા જેવા વિષયોની સફળતાઓ વર્ણવી હતી.
આઈડીયા ફેસ્ટના કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓએ શહેર-ગામડાનો વિકાસ, સામાજિક અને રાજનીતિક, ઔદ્યોગિક, તકનીકિ, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સહભાગીતા પર પોતાના સ્વતંત્ર વિચારો રજુ કર્યા હતા