નવું ફાઈનાન્શિયલ વર્ષ(2019-19)ના પ્રથમ મહિને ખતમ થઈ ગયું છે. એપ્રિલમાં ઘણાં નવા નિયમો લાગુ થયા તો કેટલાક નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા. હવે મેમાં ઘણાં નિયમો લાગુ થશે તો કેટલાક નિયમોમાં ફેરફાર પણ થનાર છે. તો ચાલો જાણીએ આમ આદમી સાથે જોડાયેલા કયાં-કયાં ફેરફાર લાગું થઈ રહ્યાં છે.
1.એસબીઆઈના સેવિંગ ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુ જમા પર ઓછું વ્યાજ મળશે
એસબીઆઈ બેન્કની ડિપોઝીટ અને લોનના વ્યાજ દરો આરબીઆઈના બેન્ચમાર્ક દરથી જોડી દેશે. તેનો અર્થ એ થાય છે કે આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર થવાથી બેન્કોની જમા અને લોનના દર પણ અસર થશે. આ નિયમ લાગુ થયા બાદ ગ્રાહકોને અગાઉની સરખામણીમાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. જોકે 1 લાખ રૂપિયાથી વધુ જમા અને લોનના વ્યાજ દરો પર જ આ નિયમ લાગુ થશે.
2.ડિજિટલ લેવડ-દેવડઃ પીએનબીનું ડિજિટલ વોલેટ બંધ
પંજાબ નેશનલ બેન્કનું ડિજિટલ વોલેટ વાપરનારને ઝટકો લાગી શકે છે. પીએનબીએ તેના ગ્રાહકોને કહ્યું હતું કે તેઓ વોલેટ(પીએનબી કિટી)માં પડેલા પૈસા 30 એપ્રિલ સુધીમાં ખર્ચ કરી લે અથવા તો પછી આઈએમપીએસથી પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે. કહેવાનો અર્થ એ છે કે હવે તમારે પીએનબીના કિટીના સ્થાને કોઈ બીજો વિકલ્પ કે વોલેટનો ઉપયોગ કરવો પડશે.
3.રેલવેઃ મુસાફરોને ઓછા સમયમાં બોર્ડિંગ બદલવાની સુવિધા મળશે
ચાર્ટ બને તેના ચાર કલાક પહેલા સુધીમાં તમે બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર કરી શકશો. અગાઉ તેમાં માત્ર 24 કલાક પહેલા જ ફેરફાર કરી શકાતો હતો. અર્થ એ છે કે ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવતી વખતે તમે જે બોર્ડિંગ સ્ટેશનને પસંદ કર્યું છે, તેને તમે પછીથી બદલી શકો છો. જોકે શરત એ છે કે ટિકિટ કેન્સલેશન પર પૈસા રિફન્ડ આપવામાં આવશે નહિ.
4.એવિએશનઃ નવી ફલાઈટ્સ શરૂ થશે
ઘણાં અલગ-અલગ રૂટ્સ પર આજથી વિમાન સેવાઓ શરૂ થઈ રહી છે. જેટ એરવેઝે અચોક્કસ મુદત સુધી સંચાલન બંધ કર્યા બાદ સ્પાઈસજેટ, ગો એર અને ઈન્ડિગોએ નવી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેટ એરવેઝ મુસાફરોની ટિકિટ રિફન્ડ સાથે જોડાયેલા મામલાની સુનાવણી પણ આજે થશે.
5.ટેલીકોમઃ આધાર વગર કેવાઈસી પુરી થશે
આધાર વગર સિમ કાર્ડ ખરીદી શકાશે. નવું સીમ કાર્ડ લેવા માટે આધાર વગરની ડિજિટલ કેવાઈસી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. હાલ તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે. તેનાથી નવું સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકનું વેરિફિકેશન કરીને નંબર 1થી 2 કલાકની અંદર જ ચાલું કરી દેવામાં આવશે.