અમીન માર્ગ, રૈયા રોડ, મવડી કોરોનાનાં હોટસ્પોટ
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે એક દિવસ શાંતી રહ્યા બાદ આજે ફરી શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ પાંચ દર્દીઓ મળી આવતા મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અમીન માર્ગ, રૈયા રોડ અને મવડી વિસ્તાર જાણે કોરોનાનાં હોટ સ્પોટ બની ગયા હોય તેમ ત્યાંથી સતત કેસો મળી રહ્યા છે. શહેરમાં આજસુધીમાં કોરોનાનાં કુલ ૧૬૪ દર્દીઓ નોંધાયા છે. માર્ચથી લઈ મે સુધીનાં અઢી મહિનાનાં સમયગાળામાં જેટલા દર્દીઓ નોંધાયા હતા તેટલા દર્દીઓ છેલ્લા અનલોક-૧નાં સમયગાળા દરમિયાન શહેરમાંથી મળી આવ્યા છે. સતત સંક્રમણ વધી રહ્યું હોય લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ અંગે મહાપાલિકાનાં સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરનાં મવડી મેઈન રોડ પર ૪૯ વર્ષનાં જયસુખભાઈ જમનભાઈ સાંગાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત માયાણી ચોકમાં ૫૦ વર્ષીય રસીલાબેન દિલીપભાઈ સગપરીયા, અમીન માર્ગ પર કિંગ્સ હાઈટ બી-૧૦૦૨માં ૬૮ વર્ષીય નલીનીબેન ડઢાણીયા, રૈયા રોડ પર આમ્રપાલી પાસે નહેરૂનગરમાં ૫૦ વર્ષીય રોશનબેન નૌસાદભાઈ મીર અને દુધસાગર રોડ પર વીમા દવાખાનાની પાછળ ૬૦ વર્ષીય રતનબેન કેશવભાઈ દવે નામની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આજે કોરોનાનાં જે પાંચ પોઝીટીવ કેસ મળી આવ્યા છે તે પૈકી એક પણ વ્યકિત ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો નથી કે કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવ્યો હોય તેવો પણ ઉલ્લેખ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી. જેના પરથી એવી શંકા પણ સેવાઈ રહી છે કે, રાજકોટમાં હવે લોકલ ટ્રાન્સમિશનનો તબકકો શરૂ થઈ ગયો હોય આજ સુધીમાં શહેરમાં કોરોના પોઝીટીવ ૧૬૪ દર્દીઓ મળી આવ્યા છે. હાલ ૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ૧૧૬ વ્યકિતઓએ કોરોનાને મ્હાત આપી છે અને ૬ લોકોનાં મોત પણ નિપજયા છે. આજે જે વિસ્તારમાંથી કોરોનાનાં કેસો મળી આવ્યા હતા ત્યાં મહાપાલિકાનો કાફલો દોડી ગયો હતો. દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને હોમ કવોરન્ટાઈન અને ફેસીલીટી કવોરન્ટાઈન કરવાની તજવીજ હાથધરી હતી.