- બ્રહ્મસમાજ અગ્રણી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજના જન્મદિને
- વ્યસન મુકિતની થીમ ઉપર કાર્યક્રમ યોજી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાની પહેલ: કાર્યક્રમ બાદ 2500 થી 3000 ભૂદેવો લેશે મહાપ્રસાદ
- અબતકની શુભેચ્છા મુલાકાતમાં ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજે આપી માહિતી
પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા સંસ્થાનના સ્થાપક, રાજ્યસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી, પરશુરામ શોભાયાત્રાના પ્રણેતા, બ્રહ્મસમાજની અડીખમ સેવાના ભેખ ધારી, રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, ઉમદા કાનૂનવિદ, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવાં બ્રહ્મતેજના તણખો સમાન આપણાં સહુના હૃદયસ્થ અભયભાઈ ભારદ્વાજ દ્વારા સન 1989માં સંસ્થાનની રચના કરી, બ્રાહ્મણોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ અભયભાઈ દ્વારા બ્રહ્મસમાજ કોઈ એક ઉત્સવમાં સમાજના બધા વર્ગના લોકો સાથે મળીને ઉજવે એવા ઉમદા વિચારથી દેશની સૌપ્રથમ પરશુરામ શોભાયાત્રા વેરાવળ-સોમનાથથી અભયભાઈના દ્વારા સન 1991માં શરૂ કરવામાં આવી હતી. સાથે જ અભયભાઈએ સમાજ શકિત જાગૃત થાય, સમાજના સજ્જન લોકો આગળ આવે તેવા વિચારથી બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સામાજ પ્રત્યે મુઠીભર યોગદાન હોય તેવા બ્રહ્મ કર્મયોગીઓને પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ ક2વામાં આવી હતી. અભયભાઈ દ્વારા સન 1994 થી સન 2020 સુધી પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. અભયભાઈના કૈલાશગમન બાદ પણ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આ પરંપરાને અવિરત પણે શરૂ રાખી દર વર્ષે પાંચ બ્રહ્મ રત્નોને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન અને સેવાકિય કામ બદલ અભયભાઈના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું કામ સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ તા.2/4/2025 ના અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પાંચ બ્રહ્મરત્નોને “પરશુરામ એવોર્ડ” અર્પણ કરવામાં આવશે. પાંચ બ્રહ્મપ્રતિભા કે જેમણે સમાજ માટે અને પોતાના વિધ-વિધ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરી રાષ્ટ્ર અને સમાજનું નામ આગળ ધપાવ્યું છે તેવા પાંચ બ્રાહ્મણોને પુજનીય સંતો, સામાજિક આગેવાનો, રાજકિય આગેવાનો, વિવિધ સ્તરના અગ્રણીઓ અને બ્રહ્મપરીવારોની હાજરીમાં તેમનું “પરશુરામ એવોર્ડ” અર્પણ કરી સન્માન કરવામાં આવશે.
આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ – 2025 અભયભાઈના સ્નેહિ એવા ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે. સમારોહનું ઉદ્ઘાટન હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક તેમજ આર્ય વિદ્યામંદિર, રાજકોટના પરમ પુજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીના શુભ હસ્તે કરવામાં આવશે.
સમારોહનું દિપ પ્રાગટય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી તથા આંતર રાષ્ટ્રીય શિવ કથાકાર પુજ્ય ડો. લંકેશ બાપુના હસ્તેથી કરવામાં આવશે. સાથે બી.એ.પી.એસ. સ્વામીનારાણય મંદિર, રાજકોટના અપુર્વમુની સ્વામીજી સમારોહમાં આશીર્વચન પાઠવશે. સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે તેમાં પુજય ઘનશ્યામજી મહારાજ જૈન્તિરામ બાપા અને પુજ્ય રમેશભાઈ શુકલની પાવન ઉપસ્થિતીમાં સંપૂર્ણ સમારોહ યોજાશે.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે. ઉપરાંતમાં રાજકોટના ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા તેમજ દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેવાના છે. સાથે સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે છેલભાઈ જોષી, નિતિનભાઈ ભારદ્વાજ અને પંકજભાઈ ભટ્ટ પધારવાના છે.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના પ્રારંભ પહેલા હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી દ્વારા હાસ્યરસ પીરસવામાં આવશે. ત્યારબાદ બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા દેવાધિદેવ મહાદેવની સ્તુતિઓ તેમજ ભજનોની પ્રસ્તુતિ પ્રસિધ્ધ લોક ગાયકો ઉર્વશીબેન પંડયા, તેજસભાઈ ત્રિવેદી, ભાસ્કરભાઈ શુકલ અને મ્યુઝિકમાં રાજુભાઈ ત્રિવેદી, તબલામાં દિલીપભાઈ ત્રિવેદી તેમજ સાજિદા ગ્રુપ દ્વારા કરવામાં આવશે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ – 2025નું આયોજન વ્યસન મુકિતના સંદેશથી પ્રેરીત કરવાવાળી થીમથી કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે પુષ્કરરાય કલ્યાણજી જાનીનું સન્માન
ધાર્મિક/વૈદિક ક્ષેત્રે પુષ્કરાય કલ્યાણજી જાનીનું નામ ખુબ જ સન્માન પુર્વક લેવામાં આવે છે. પુષ્કરરાય એક કર્મકાંડી બ્રાહ્મણ તરીકે શુન્યમાંથી સર્જન કરનાર છે.
તત્કાલીન રાજજ્યોતિષી તરીકે જાણીતા શાસ્ત્રી તુલજાશંકરજી પાસેથી જ્યોતિષનું જ્ઞાન મેળવી તેમણે દોઢ વર્ષનો અભ્યાસક્રમ આઠ માસમાં પુર્ણ કર્યો. ત્યારબાદ તેમણે ઈ.સ. 1978માં પોતાના નિવાસ સ્થાને ચાર ઋષી કુમારોથી સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કર્યો અને આગળ જતા તે પાઠશાળાને સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા તરીકે ઓળખવામાં આવી. આજે આજ પાઠશાળામાંથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર શાસ્ત્રીઓ નીકળ્યા છે. અત્યાર સુધીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ
આ પાઠશાળામાંથી વૈદિક શાસ્ત્રો અને સંસ્કૃતનું જ્ઞાન મેળવી આજે વિશ્વભરમાં કર્મકાંડી બ્રાહ્મણ તરીકે સંસ્કૃતિને અને સંસ્કૃતને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે.
ઈ.સ.2002માં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ કર્મનાં માધ્યમથી બ્રહ્મ કુમારોને આર્થીક રીતે પગભર કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઈ.સ. 2022માં તેમણે રાજકિય સંસ્કૃત પાઠશાળા દ્વારા ગુરુગૌરવ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આજે પણ તેઓ સંસ્કૃત અને વૈદિક શાસ્ત્રોના જ્ઞાનના એક પ્રચારક તરીકે કાર્યરત છે.
સેવા ક્ષેત્ર ડો.જગદીશભાઈ ત્રિવેદીનું થશે સન્માન
હાસ્ય અને લોકસાહિત્ય ક્ષેત્રે ડો.જગદિશભાઈ ત્રિવેદીનું નામ ખુબ જ સન્માન પુર્વક લેવાય છે. તેઓ અત્યંત લોકપ્રિય કલાકાર છે. તેમણે બ્રાહ્મણ પરીવારો અને સમાજની ઉન્નતિ માટે તથા શૈક્ષણિક વિકાસ માટે પોતાનું આર્થીક પ્રદાન આપ્યું છે.
તેમજ 82 જેટલા પુસ્તકો લખ્યા છે સાથે જ છેલ્લા છ વર્ષમાં તેમણે 12 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલયો, 1 છાત્રાલય અને 1 બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ 21 જેટલી ઈમારતોનું નિર્માણ કરાવીને સમાજ માટે ખુલી મુકેલ છે. ઈ.સ. 2012ના રોજ તેમણે પોતાના જીવનના 45 વર્ષ પુર્ણ કર્યા ત્યારે અમેરીકાથી જાહેરાત કરી તા. 12/10/2016 ના રોજ હું 50 વર્ષનો થાય પછી પુરષ્કારનો એક પણ રૂપીયો ઘરે નહિ
લઈ જાઉં તેવો પ્રણ લીધેલો. આ રકમ સો એ સો ટકા દાન કરી દઈશ એ પણ વહિવટ ખર્ચ લીધા વગ2. આજે પણ આ પ્રતિજ્ઞા તેઓ પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ રચનાત્મક, કેળવણી લક્ષી પ્રવૃત્તિઓમાં અને સામાજિક કાર્યોમાં રૂપીયા 13 કરોડનું માતબર દાન તેઓ આપી ચુકયા છે.
ઉદ્યોગક્ષેત્રએ રાજેન્દ્રભાઈ રાવલને બિરદાવાશે
બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ રાજેન્દ્રભાઈ રાવલએ સૌરાષ્ટ્રમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રસિધ્ધી પ્રાપ્ત કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા તેમણે ગોડલ તાલુકાના બંધીયા ગામથી લઈને મુંબઈ સુધીની સફર પુર્ણ કરી છે.
રાજકોટ ખાતે પોતાની ઓફિસનો પ્રારંભ કર્યો અને એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેઓ સ્થાપિત થયા. સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવું એ તેમના જીવનનું એક પાસું છે તે સિવાય તેમણે જ્ઞાન અને સેવાની ક્ષીતિજો વિવિધ ક્ષેત્રમાં વિસ્તારી છે. સોલાર પાવર, શિક્ષણ, રીયલે સ્ટેટ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઈનીંગ, એગ્રી કલ્ચર, ઓટો મોબાઈલ, આઈ.ટી., ઓફ શોર આઉટ સોસીંગ અને ફાઈનાન્સ એન્ડ કેપીટલ માર્કેટ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના તેઓ માર્ગદર્શક રહ્યા છે અને વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં તેમનું સ્થાન છે.
ડો.જે.જે.રાવલ – વિજ્ઞાન ક્ષેત્ર
ડો.જે.જે.રાવલ એક એવું બ્રાહ્મણ નામ કે જેને કોઈ પ્રસિધ્ધિની જરૂર નથી તેઓનું વિજ્ઞાન ક્ષેત્રે ખુબ જ મહત્વનું યોગદાન રહેલું છે. ડો.જે.જે.રાવલે એપ્લાઈડ મેથેમેટીકસ અને પ્યોર મેથેમેટીકસની પદવી મુંબઈ યુનીવર્સીટીમાંથી મેળવી છે. ખગોળ વિજ્ઞાન અને વિજ્ઞાન પર 40 જેટલા પુસ્તકો લખ્યા છે. તેમણે વિખ્યાત પત્રકાર મનુભાઈ મહેતા એવોર્ડ, મરાઠી વિજ્ઞાન પરિષદનો પતિષ્ઠિત રમાબાઈ આપ્ટે પુરસ્કાર, ભારત સરકારના વિજ્ઞાન અને તંત્ર-વિજ્ઞાન મંત્રાલય તરફથી એવોર્ડ વિદ્વાન પત્રકાર માટેનો ગુજરાત સરકારનો એવોર્ડ, ગુજરાતરત્ન એવોર્ડ, હળવદરત્ન એવોર્ડ વિગેરે એવા અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ડો.જે.જે. રાવેલે વિજ્ઞાનિક ક્ષેત્રે અસંખ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી બ્રહ્મસમાજનું નામ વિશ્વ ફલક પર ગુંજતું કર્યું છે. ડો.રાવલે વિવિધ સ્તરના વૈજ્ઞાનિક પ્રયોગો અને સમાજલક્ષી સેવાઓને મહત્વ આપ્યું છે.
ભરતભાઈ યાજ્ઞિક – કળા ક્ષેત્ર
બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ ભરતભાઈ યાજ્ઞિકે સૌરાષ્ટ્રમાં એક નાટયકાર લેખક, નાટ્ય નિર્દેશક, અભિનેતા અને રેડિયો મંચ સંચાલક તરીકે પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી તે સમગ્ર બ્રહ્મસમાજ માટે ગૌરવ પદ બાબત છે. તેઓ રંગમંચની આજીવન સેવા માટે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર તથા નટરાજ હનુમંત પુરસ્કારથી સન્માનિત થયા છે.