આરએસએસના ૫૦ થી વધુ સ્વયંમ સેવકો આ સેવાકાર્યમાં જોડાયા
મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા કેરળના પુરપીડિતો માટે ફાળો એકત્ર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૦ થી વધુ સ્વયંમ સેવકોએ માત્ર ૩ કલાકમાં જ ૫ લાખ જેવો માતબર ફાળો એકત્ર કર્યો છે. આ તકે પશ્ચિમ સરસંઘચાલાક ડો. ભાડેશિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેરળમાં સર્જાયેલા જળપ્રલયમાં અનેક લોકોનો જીવ ગયા છે. સાથે લાખો લોકો બેઘર બન્યા છે. કેરળ પર થયેલા આ પ્રકોપ સામે ઠેર ઠેરથી લોકો સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે આ સેવાકાર્યમાં મોરબી શહેર પણ સહભાગી બને તેવા આશયથી આરઆરએસ દ્વારા કેરળ પુર પીડિતો માટે રાહતફંડ એકત્રીકરણના કાર્યક્રમનું આયોજન આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. ભાડેસિયાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ગઈકાલે સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન યોજાયો હતો. જેમાં ૫૦ જેટલા સ્વયંમ સેવકોએ માત્ર ૩ કલાકમાં વિનાયક સર્કલ- સ્વાગત ચોકડી, બાપા સીતારામ ચોક, વર્ધમાન એપાર્ટમેન્ટ- રામકો બંગલો પાસે, જૂની એચડીએફસી બેંકવારી ચોકડી, રામ ચોક, ઉમિયા સર્કલ- શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, જુના બસસ્ટેન્ડ, નગર દરવાજા, મહારાણા પ્રતાપ ચોક- ગેંડા સર્કલ અને નવલખી ફાટક ખાતેથી રૂ. ૫ લાખનો માતબર ફાળો એકત્ર કર્યો હતો.