આશ્રમની ચાવી માંગી દંપતી પાસે રહેલા સોના-ચાંદીનાં ઘરેણા અને રોકડા લુંટી હિન્દી ભાષી શખ્સો ફરાર
રાજકોટનાં મોરબી રોડ પર આવેલા રતનપર ગામે ગત રાતે પાંચ બુકાનીધારીઓ પંચદેવી આશ્રમમાં ઘુસી ત્યાં રહી સેવા પુજા કરતા દંપતીને ધોકા વડે મારમારી સોના-ચાંદીનાં ઘરેણા અને રોકડ રકમ લુંટી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં પંચદેવી આશ્રમમાં રહેતા અને સેવા-ભકિત કરતા સુરેશભાઈ હિમતરાય નિમાવત (ઉ.વ.૫૬) અને તેમનાં પત્નિ મધુબેન સુરેશભાઈ નિમાવત ગતરાતે આશ્રમમાં સુતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ ચારથી પાંચ બુકાનીધારીઓ આશ્રમની પારી ઠેકી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ સુરેશભાઈ નિમાવત અને મધુબેનને ધોકા વડે મારમારી આશ્રમની ચાવી માંગી હતી પરંતુ દંપતિએ પોતાની પાસે ચાવી હોવાનો ઈનકાર કરતા લુંટારુઓએ સુરેશભાઈ અને મધુબેન પર હુમલો કરી તેમની પાસે રહેલા રોકડા રૂા.૩૦૦૦ અને પહેરેલા સોનાના બુટીયા બે જોડિ, ચાંદીની બે માળા, ૧ જોડી સાકળા અને ૧ મોબાઈલ લુંટી લીધા હતા.
તે દરમિયાન પ્રૌઢ સુરેશભાઈ નિમાવત લુંટારાઓના ચંગુલમાંથી ભાગી આસપાસ રહેતા લોકોને બોલાવતા પાંચેય બુકાનીધારી લુંટારાઓ નાસી છુટયા હતા. ઘટના બાદ દંપતીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી સુરેશભાઈ નિમાવતની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. સુરેશભાઈ નિમાવતે પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ પાંચમાંથી ચાર બુકાનીધારીઓએ આશ્રમમાં ઘુસી લુંટ ચલાવી હતી જયારે એક લુંટારું આશ્રમ પર રહી દેખરેખ રાખતો હોવાનું જણાવ્યું હતું અને તમામ લુંટારુઓ હિન્દી ભાષામાં વાત કરતા હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. મોડીરાત્રે દંપતી પર થયેલા હુમલા અને લુંટ બાદ પ્રૌઢે લુટારુનાં ચંગુલમાંથી છુટી આસપાસનાં રહેવાસીઓને બોલાવતા લુંટારુઓ નાસી છુટયાનું જણાવ્યું હતું.