11 ઉમેદવારો 30 થી 40 વર્ષથી વચ્ચેના, 37 ઉમેદવારો 40 થી 50 વર્ષની અંદરના જ્યારે 19 ઉમેદવારોની ઉંમર 50 થી 59 વર્ષ સુધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ ન આપવા માટે ભાજપ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો હતો. જેનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. રાજકોટના 18 વોર્ડ માટે જે 72 ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. તેમાં પાંચ ઉમેદવારો એકદમ યુવાન છે અને તેઓની ઉંમર 30 વર્ષ સુધીની છે. વોર્ડ નં.15માં ડો.મેઘાવીબેન માંડલભાઈ સિંધવને ટિકિટ આપવામાં આવી છે તે મહિલા ઉમેદવારની ઉંમર સૌથી ઓછી 26 વર્ષથી છે. જ્યારે વોર્ડ નં.17ના ઉમેદવાર રવજીભાઈ સવજીભાઈ મકવાણાની ઉંમર સૌથી વધુ 59 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના જે પાંચ ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી અંદર છે તેમાં ડો.મેઘાવીબેન સિંધવ ઉપરાંત વોર્ડ નં.5ના ઉમેદવાર હાર્દિકભાઈ ગોહિલ (ઉ.27), વોર્ડ નં.4ના ઉમેદવાર કાળુભાઈ દેવદાનભાઈ કુંગશીયા (ઉ.28), વોર્ડ નં.10ના ઉમેદવાર રાજેશ્રીબેન ડોડીયા (ઉ.28) અને વોર્ડ નં.1ના ઉમેદવાર હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયા કે જેમની (ઉ.30) છે. જ્યારે 30 થી લઈ 40 વર્ષની વય મર્યાદા ધરાવતા 11 ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે 40 થી લઈ 50 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા 37 ઉમેદવારો ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. વડિલની વ્યાખ્યામાં આવતા 19 ઉમેદવારો એવા છે કે જેની ઉંમર 50 થી લઈ 59 વર્ષની છે.
વોર્ડ નં.17ના ઉમેદવાર રવજીભાઈ સવજીભાઈ મકવાણા સૌથી મોટી ઉંમરના 59 વર્ષના ભાજપના ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.14ના ઉમેદવાર વર્ષાબેન રાણપરાની (ઉ.58) અને વોર્ડ નં.2ના ઉમેદવાર મનિષભાઈ રાડિયાની (ઉ.57) છે. જ્યારે ડો.દર્શિતાબેન શાહ, વર્ષાબેન પાંધી, ડો.દર્શનાબેન પંડ્યા, પ્રિતીબેન દોશી, બિપીનભાઈ બેરા, દક્ષાબેન વાસાણી, જીતુભાઈ કાટોડીયા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, મગનભાઈ સોરઠીયા, જયાબેન ડાંગર, ગીતાબેન પારઘી, કંચનબેન સિધ્ધપુરા, વિનુભાઈ ઘવાની ઉંમર 50 થી લઈ 59 વર્ષ વચ્ચેની છે.
ભાજપે શિક્ષીત ઉમેદવારો પસંદ કરવાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. જેમાં 5 ડોકટર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પીએચડી થયેલા 3 ઉમેદવાર, માસ્ટર ડીગ્રી ધરાવતા 5 ઉમેદવાર, એલએલબીની ડિગ્રી ધરાવતા 3 ઉમેદવાર, 1 પ્રોફેશર, 1 ટીચર અને 1 કંપની સેક્રેટરી સુધીનો અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારો ભાજપની યાદીમાં છે. સૌથી ઓછો અભ્યાસ જો કોઈએ કર્યો હોય તો તે વોર્ડ નં.13ના ઉમેદવાર જયાબેન ડાંગર છે કે જેઓ માત્ર 2 ધોરણ પાસ છે. જ્યારે ગીતાબેન પારઘી ધો.5 પાસ, કંકુબેન ઉધરેજા ધો.5 પાસ, વજીબેન ગોલતર ધો.8 પાસ, દેવુબેન જાદવ ધો.8 પાસ, મંજુબેન કુંગશીયા ધો.9 પાસ, વિનુભાઈ સોરઠીયા ધો.7 પાસ, રણજીતભાઈ સાગઠીયા ધો.9 પાસ અને મગનભાઈ સોરઠીયા ધો.5 સુધીનો અભ્યાસ ધરાવે છે.
સૌથી વધુ ટિકિટ લેઉવા પટેલ સમાજને: 19 જ્ઞાતિઓને સાચવી લેવાઈ
લેઉવા પટેલ સમાજને 19, કડવા પટેલને 5, બ્રાહ્મણોને 8, ક્ષત્રિયોને 7 અને આહિર સમાજને 7 ટિકિટો ફાળવાઈ
ભાજપે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે અલગ અલગ 19 જ્ઞાતિઓના ઉમેદવારોને ટિકિટ આપી છે. સૌથી વધુ ટિકિટ લેઉવા પટેલ સમાજને ફાળવવામાં આવી છે. ટિકિટની વહેંચણી પર નજર કરવામાં આવે તો લેઉવા પટેલ સમાજમાંથી આવતા 14 ઉમેદવારોને અલગ અલગ વોર્ડમાંથી ફાળવણી કરવામાં આવી છે. જ્યારે કડવા પટેલના પાંચ ઉમેદવારોને ટિકિટ ફાળવામાં આવી છે. અનામત અને જ્ઞાતિ-જાતિના સમીકરણોને જોતા એવું લાગી રહ્યું હતું કે, મહાપાલિકામાં બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ આ વખતે ઘટશે પરંતુ એવું બન્યું નથી. ભાજપે બ્રાહ્મણ સમાજમાંથી આવતા 8 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
જ્યારે ક્ષત્રિય સમાજના 7 ઉમેદવાર, આહિર સમાજના 8 ઉમેદવાર, રઘુવંશી સમાજના 3 ઉમેદવાર, જૈન સમાજના 2 ઉમેદવાર, માલધારી સમાજના 3 ઉમેદવાર, પ્રજાપતિ સમાજના 4 ઉમેદવાર, કડીયા સમાજના 2 ઉમેદવાર, દલીત સમાજના 6 ઉમેદવાર, રજપૂત સમાજના 3 ઉમેદવાર, જ્યારે લુહાર, બાવાજી, સિંધી અને આદિવાસી સમાજમાંથી આવતા 1-1 ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે.