માસ્તર સોસાયટીના રૂ.૧.૫૦ કરોડના મકાનના બોગસ દસ્તાવેજ બનાવ્યાનું ખુલ્યું: પાંચ શખ્સોની શોધખોળ
શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે માસ્તર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષિકાની હત્યાના પ્રકરણમાં તપાસ દરમિયાન પ્લોટ પચાવી પાડવા ૧૦ શખ્સોએ કાવતરું રચી બોગસ દસ્તાવેજ બનાવી લીધાનું ખુલતા ભકિતનગર પોલીસે એક મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધી પાંચ શખ્સોને પકડી વધુ પુછપરછ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માસ્તર સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન શુકલ (ઉ.વ.૭૨)ની હત્યાના પ્રકરણમાં પ્લોટ પચાવી પાડવા કાવત્રુ રચી બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં સંડોવાયેલા મોરબીના સજનપરના વિનુ પટેલ, વાંકાનેરના દિધલીયાના મહમદ હુશેન નુરમામદ, વાંકાનેરના લાભુભા બિપીનસિંહ ઝાલા, શાંતાબેન લાલજીભાઈ પરમાર, કોટડા સાંગાણીના પિપલાણાના વિક્રમ અજીત પટેલ અને દલ્પેશ ધીરૂ‚ કુકડીયા, રાજકોટના રાજેશ ઉર્ફે રાજુ પરબત સોમાણી, રણજીત કરશન સરીયા, આશિષ ડી.પંડયા અને કાંતિ ઓધવજી સામે ભકિતનગર પોલીસે ગુનો નોંધયો છે.
હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેન શુકલ (ઉ.વ.૭૨) જે મકાનમાં રહેતા હતા તે મકાન તેના માતા સરસ્વતીબેન આચાર્યના નામે છે. સીટી સર્વેયરના રેકોર્ડના આધારે તપાસ કરાતા તેની બાજુના પ્લોટનો દસ્તાવેજ વસંતીબેન પંચોલીના નામનો હોવાનું અને આ દસ્તાવેજ કમલ ભોગાવતાના નામે થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જે સ્થળે બનાવ બનેલો તેની બાજુના બંધ મકાન પચાવી પાડવાના ઈરાદે આરોપીઓ કાવતુ રચી સીટી સર્વેયરની ઓફિસના પટાવાળા તરીકે નોકરી કરતા વિક્રમ પટેલની મદદથી આ પ્લોટ બાબતે માહિતી મેળવી બાદમાં આ પ્લોટની એન્ટ્રી સિટી સર્વેમાં થઈ ન હોય આરોપીઓ મકાન બારોબાર પચાવી પાડવા માટે વાસંતીબેનના ડમી તરીકે આરોપી શાંતાબેનને ઉભા કરી બોગસ આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ બનાવી આરોપી રાજુ સોમાણીનો સંપર્ક કરી મકાન વેચવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ આરોપી વિનુ, મહમદ હુસેન અને લાલુએ વાસંતીબેનના મકાનને બદલે જયશ્રીબેન શુકલનું મકાન બનાવી સોદો નકકી કર્યો હતો. આ આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જઈ રણજીતના નામનો દસ્તાવેજ કરાવી લીધો હતો. આરોપીઓએ બોગસ દસ્તાવેજ બનાવી કૃત્ય આચર્યાનું ખુલતા ભકિતનગરના પી.આઈ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. બાકીના આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com