સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 137 મીમી, વેસ્ટ ઝોનમાં 13પ મીમી અને ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછો 89 મીમી વરસાદ: સીઝનનો સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો
રાજકોટમાં શુક્રવારે મેઘરાજાએ દિવસભર હેત વરસાવ્યું હતું. શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરની જળ જરુરીયાત સંતોષતા ભાદર અને ન્યારી ડેમમા નવા નીરની આવક થવા પામી છે. સવારથી શહેરમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે. આજે પણ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ચોમાસાના વિધિવત અને સત્તાવાર આગમન પૂર્વ જ સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
બિપોરજોય વાવાઝોડુ પસાર થયા બાદ ગુરુવાર મઘ્ય રાત્રીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે સવારથી અનરાધાર વરસાદ વરસવાનું શરુ થયું હતું. સવારે ત્રણ કલાકમાં સાંબેલાધારે 3 ઇંચ વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. સમી સાંજે ફરી મેઘાના મંડાણ થયા હતા. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 100 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 137 મીમી (સીઝનનો કુલ 214 મીમી) વેસ્ટ ઝોનમાં 13પ મીમી (સીઝનનો કુલ 205 મીમી) અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 89 મીમી (સીઝનનો કુલ 162 મીમી) વરસાદ પડયો હતો.
હવામાનના રેકોર્ડ પર રાજકોટમાં છેલ્લા ર4 કલાક દરમિયાન 96 મીમી (સીઝનનો 117 મીમી) વરસાદ વરસી ગયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 100 થી વધુ સ્થળોએ મેધરાજાએ વિરામ લેતા ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી રરર9 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતરિતોને આજે સવારથી ઘેર મોકલવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે 44 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.
રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ભાદર ડેમમાં નવું 0.10 ફુટ પાણી આવ્યું છે. 34 ફુટે ઓવર ફલો થતા ડેમની સપાટી 12.80 ફુટે પહોંચી જવા પામી છે. આ ઉપરાંત ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. 25.10 ફુટની સપાટી ધરાવતા ન્યારી-1 ડેમની સપાટી 16.10 ફુટે પહોંચી જવા પામી છે.
ન્યારી-ર ડેમમાં પણ 2.30 ફુટ પાણીની આવક થવા પામી છે. 20.70 ફુટે ઓવરફલો થતા ન્યારી-ર ડેમની સપાટી 13.50 ફુટે પહોંચી છે. સવારથી મેધ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાહત અને બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.