તમામને ઓળખ માટે મામલતદાર સમક્ષ રજુ કરી અને કોર્ટમાં હાજર કરવામાં આવશે
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જીલ્લામાં લુંટ, ચોરી, હત્યા સહિતના બનાવોએ માઝા મુકી છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસે હાઈવે પર લીફટ આપી રોકડ અને મુદ્દામાલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં વધી રહેલ ચોરીઓ તેમજ હાઈવે પર થતી લુંટ અને ચોરીના બનાવો વધતા જીલ્લા પોલીસવડાએ સુચનાઓ આપી હતી. જે દરમ્યાન ફરિયાદી મહેશભાઈ ઈશ્વરભાઈ કુણપરા (પટેલ) ઉ.વ.૫૨, રહે.હાલ સુરત મુળ રહે.વઢવાણ ઉમીયા ટાઉનશીપવાળાએ આવી પોતે અને પત્ની સાથે ચોરી અને લુંટનો બનાવ બન્યો હોવાની જાણ કરી હતી જે મુજબ ફરિયાદી મહેશભાઈ કુણપરા અને તેમની પત્ની જયાબેન કુણપરા સુરતથી સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં તે દરમ્યાન લીંબડી સર્કલ પાસેથી અજાણ્યા કાર ચાલકે પેસેન્જર તરીકે તેઓને બેસાડયાં હતાં.
અને કારમાં લીંબડીથી સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં. તે દરમ્યાન તેઓની પાસે રહેલ રોકડ રૂા.૫૦,૦૦૦ તથા સોનાના દાગીના કિંમત રૂા.૧.૬૨ લાખ સહિતના મુદ્દામાલ સાથે કારમાં સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં તે દરમ્યાન કારચાલકે વઢવાણ હાઈવે પર કારના શો-રૂમ નજીક કારને ઉભી રાખી દંપતીને ઉતારી થેલામાંથી રોકડ અને સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાં હતાં. જે અંગેની જાણ ભોગ બનનાર ફરિયાદીને થતાં તાત્કાલીક બી ડિવીઝન પોલીસ મથકે પહોંચી જાણ કરી હતી આથી પોલીસે કંન્ટ્રોલ રૂમને જાણ કરી સંપર્ક કરતાં સીસીટીવી કેમેરામાં કાર લખતર હાઈવે તરફ ગઈ હોવાની જાણ થતાં ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનાઓએ આ અંગે લખતર પીએસઆઈ એચ.એમ.રબારી સહિતના સ્ટાફને જાણ કરતાં લખતર પીએસઆઈ અને ટીમે કારનો પીછો કરી છારદ ગામ પાસેથી ગ્રામજનોની મદદથી કારને રોકી તમામ આરોપીઓ સાથે બિડીવીઝન પોલીસ મથકે લાવવામાં આવી હતી.
અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ સમગ્ર રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશી સહિત બી ડિવીઝન પીએસઆઈ એસ.બી.સોલંકી સહિત બી ડિવીઝનના સરદારસિંહ, અજીતસિંહ, હરેશભાઈ, ખુમાનસિંહ, મહિપતસિંહ, રમેશચંદ્ર અને લખતર પીએસઆઈ એચ.એમ.રબારી સહિત સ્ટાફના નરેન્દ્રસિંહ, સરદારસિંહ, ધનજીભાઈ, કુલદિપસિંહ, ધર્મેશભાઈ, વલ્લભભાઈ, ધર્મેશભાઈ મેમકીયાએ સફળ કામગીરી કરી હતી. મહંમદઈમરાન રહેમાન અહેમદ અંસારી, રહે.મુંબઈ , મહંમદસાદાબ વાહજુદ્દીન અંસારી, રહે.મુંબઈ , સોહિલ મહંમદખાન પઠાણ, રહે.અમદાવાદ, સોહેલ અબ્દુલરઉફખાન રહે.મુંબઈ અને અરૂણા નરસિંહ મલેશરાવ, રહે.મુંબઈવાળાને ચોરીના રોકડ રૂા.૫૦,૦૦૦ તથા સોનાના દાગીના કિંમત રૂા.૧.૬૨ લાખ તથા કાર કિંમત રૂા.૪.૫૦ લાખ, મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂા.૯,૦૦૦ મળી કુલ રૂા.૬.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.