કાલે 340 આરોગ્ય કેન્દ્રોમાં સુરત ખાતેથી સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ સાયકલોથોનનો આરંભ કરાવશે 344ર લોકો જોડાશે
અબતક, રાજકોટ
આજની આધુનિક ઝડપી અને બદલાયેલ જીવન શૈલીને કારણે લોકોમાં બીન ચેપી રોગો જેવા કે લોહીનું ઉંચુ દબાણ, ડાયાબીટીસ, મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સર, કીડનીની બીમારી તથા હ્રદય રોગ જેવી ગંભીર પ્રકારની બીમારીઓના શિકાર બને છે. આ સમસ્યાના નિરાકરણ લાવવા માટે અને લોકોના આરોગ્ય અને સુખાકારી માટે ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત સાયકલોથોન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સવારે 7.30 કલાકે ઐતિહાસિક સ્થળ દાંડી માર્ચ, સુરત ખાતે, દાંડી મુકામેથી તેમના હસ્તે આ કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ફલેટ ઓફ આપ્યા બાદ દરેક પ્રા.આ. કે. અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્થ એંડ વેલનેસ સેન્ટર સાઇકલ ચલન પ્રસ્થાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોનું અગાઉથી ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. સાઇકલ ચાલકો જે તે ગામના મુખ્ય જાહેર માર્ગો પરથી પસાર થશે. તથા કાર્યક્રમ પૂર્ણ થયે દરેક ભાગ લેનાર લોકોને સર્ટીફીકેટ આપવામાં આવશે.
જીલ્લા કક્ષાનો કાર્યક્રમ જીલ્લા પંચાયત રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં સાઇકલ ચાલકો જીલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખીરસરા જશે. ત્યારબાદ જીલ્લા પંચાયત ખાતે પરત આવશે. આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા અન્ય જીલ્લા પંચાયતના અધિકારી અને પદાધિકારીઓ પણ જોડાવાના છે.