સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે આંકડાશાસ્ત્ર ભવનના ઓડીટોરીયમ ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતું. આ એમ.ઓ.યુ. સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી તથા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. સાઈન કરેલ હતું. આ એમ.ઓ.યુ. માં મુખ્યત્વે જોઈન્ટ રીસર્ચ પ્રોજેક્ટ, કોન્ફરન્સ, સ્ટુડન્ટ એકસચેન્જ એકટીવીટી, વોકેશનલ સ્પોર્ટસ કોર્ષીસ, એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હરહંમેશ કંઈક નવું કરવા માટે ટેવાયેલ છે. વિદ્યાર્થીઓ ફીટ રહે, સ્વસ્થ રહે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. આ એમ.ઓ.યુ. થકી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ખુબ લાભ મળશે. ડો. મેહુલભાઈ એ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નવા કેમ્પસની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ભાગરુપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે “ફીટ ઈન્ડિયા કલબ”ની સ્થાપના કરાઈ. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સૌપ્રથમ આ કલબની સ્થાપના કરનાર યુનિવર્સિટી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હરહંમેશ વિદ્યાર્થીઓની ચીંતા કરે છે. આપણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી સ્વસ્થ રહે, ફીટ રહે, નીરોગી રહે એ માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે આજરોજ વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. કોરોનાના કપરા કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવી કર્મચારીઓના સ્વાસ્થ્યની સતત ચીંતા કરી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવિધ નવા પ્રોજેક્ટસ સ્પોર્ટ્સ હોસ્ટેલ, યોગા હોલ, નોનટીચીંગ સ્ટાફ કવાટર્સ, અતિઆધુનિક લાઈબ્રેરીનો પાયો નાખવા જઈ રહ્યા છીએ. ઉપકુલપતિશ્રી એ જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે અને ઓલમ્પિકમાં યુનિવર્સિટીનું નામ ઉજાગર કરે એવી અપેક્ષા છે. અંતમાં ઉપકુલપતિએ સૌને દૈનિક ક્રિયામાં વ્યાયામ કરવા અપીલ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ તેમના અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ આજે સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કરેલ છે એ આનંદની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફીટ ઈન્ડિયા કલબની સ્થાપના થકી યુવાનોમાં સ્પોર્ટ્સની રુચી અને વ્યાયામની સુટેવો કેળવાય એ માટે સતત પ્રયત્નશીલ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.ટી.આઈ., સ્પોર્ટ્સના પ્રાધ્યાપકો સતત અપડેટ રહે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફીટ ઈન્ડિયા કલબમાં યુવાનોને પ્રેરણા આપી કલબની પ્રવૃત્તિઓને વેગ આપશે એવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. હરદેવસિંહ જાડેજા, નીદતભાઈ બારોટ, સેનેટ સભ્ય, વિવિધ કોલેજોના આચાર્ય, ભવનોના અધ્યક્ષ, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યો સ્પોર્ટ્સ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટુડન્ટ એકસચેન્જ એકટીવીટી-વોકેશનલ સ્પોર્ટસ કોર્ષિસ શરૂ કરાશે: ડો.અર્જુનસિંહ રાણા
સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી, અધ્યાપક, આચાર્ય અને હાલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કુલપતિ છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે આજે એમ.ઓ.યુ. થઈ રહ્યું છે તેનો ખુબ આનંદ છે. ગુજરાત સરકાર એ મારા પર વિશ્વાસ મુકી મને સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું સુકાન સોંપ્યું છે સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ગુજરાત રાજયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને જવાબદારી સોંપી છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહે એ માટે મારે કાર્ય કરવાનું છે. રાણાએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ તથા ફીટ ઈન્ડિયા કલબની સમગ્ર માહિતી અને પ્રતિમાસનું કેલેન્ડર અનુસાર કાર્યની વિસ્તૃત માહિતી આપેલ હતી.