પાકિસ્તાની એજન્સી દ્વારા પંદર દિવસમાં ગુજરાતના દરિયામાંથી દસ બોટ અને 60 માછીમારોને ઉઠાવી ગયા બાદ બીએસએસ દ્વારા અપાયો જડબાતોડ જવાબ
ગુજરાતના 1600 કીમીના વિશાળ દરિયામાં જુદા જુદા બંદરના માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા જતા પાકિસ્તાની એજન્સી દ્વારા છેલ્લા પંદર દિવસમાં દસ બોટ સાથે 60 માછીમારના અપહરણ કરવામાં આવતા કચ્છમાં ફરજ બજાવતા બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનોએ જખૌ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી હરામીનાળા પાસેથી એક સાથે 11 પાકિસ્તાની બોટ સાથે માછીમારોને ઝડપી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
ગુજરાતના વલસાડ, માગરોળ, પોરબંદર, ઓખાના માછીમારો પોતાની બોટ લઇને કચ્છના જખૌ દરિયા કાઠે માછીમારી કરવા ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા ગત તા.28 જાન્યુઆરીએ સૌ પ્રથમ માંગરોળની બોટને સાત માછીમાર સાથે અપહરણ કર્યુ હતુ. તા.29 જાન્યુઆરીએ વલસાડની બોટ ત્રણ માછીમાર સાથે, તા.5 ફેબ્રુઆરીએ 13 માછીમારો સાથે પોરબંદર અને ઓખાની બોટ ઉઠાવી ગયા હતા. તા.10 ફેબ્રુઆરીએ એક સાથે છ બોટ પોરબંદરની બે બોટ, ઓખાની બે બોટ અને માંગરોળની બે બોટના અપહરણ કરી જતા માછીમારોમાં ફફડાટ મચી ગયો છે.
ગુજરાતના માછીમારો સાથે બોટના પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ઉઠાવી જવાના રાજય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં માછીમારો અંગેનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. ગુજરાતના દરિયામાં માછીમારોની સલામતી અંગે પ્રશ્ર્ન ઉઠાવી પાકિસ્તાનના કબ્જામાં 2003થી અત્યાર સુધી 1200 બોટ છે. તેમજ 643 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. પાકિસ્તાન સતાવાળા ભારતીય માછીમારોને બોટ પરત ન આપતા માછીમારોને આર્થીક નુકસાન અને દેવાદાર બની જાય છે.
સરકારે માછીમારોને સુરક્ષા આપવા કાર્યવાહી કરી પાકિસ્તાન પાસેથી બોટ સાથે માછીમારોને છોડાવવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.પાકિસ્તાન એજન્સી દ્વારા પંદર દિવસમાં દસ બોટ સાથે 60 જેટલા માછીમારોને ઉઠાવી જતા કચ્છ જખૌ દરિયા કિનારે હરામી નાળા પાસે બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથધરી મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી કરી પાકિસ્તાન માછીમારોની નવ બોટ ભારતીય જળ સીમામાં ઘુસેલી હોવાથી કબ્જે કરી બીએસએફ આઇએમબીએલ ખાતે સઘન પેટ્રોલિંગ જારી રાખ્યું છે.