સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં રહેલ માછીમારોનું જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોવાથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં રાજેન્દ્ર સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાંથી કોઈ પણ માછીમારોએ કે અન્ય વ્યકિતઓએ તા.01/06/2021 થી તા.30/07/2021 બન્ને દિવસો સહિતના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવર જવર કરી શકાશે નહી.આ જાહેરનામામાંથી નીચે મુજબ મુકિત આપવામાં આવે છે.
પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને, લશકરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટો, સમક્ષ અધિકારી દ્વારા અવર જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલ પેસેન્જર બોટો, નોન મોટરાઈઝ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એકલકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારો. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860 (4પ માં અધિનિયમ)ની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.