ચમત્કાર થાય તો જ ઈંગ્લેન્ડનું મેણુ ભાંગે તેવો ઘાટ: લેગ સ્પીનર યાસીર શાહ મહત્વપૂર્ણ પાસુ
ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં હાલ પ્રથમ ટેસ્ટ મેચ ઓલ્ડટ્રેડફોર્ડ ખાતે ચાલી રહ્યો છે જેમાં ત્રીજા દિવસનાં અંતે પાકિસ્તાનને ૨૪૪ રનની લીડ મળેલી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૨૧૯ રન કર્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને પ્રથમ ઈનીંગમાં ૩૨૬ રન કર્યા હતા. હાલ પાકિસ્તાને બીજી ઈનીંગમાં ૮ વિકેટ ગુમાવી ૧૩૭ રન નોંધાવ્યા હતા ત્યારે હજુ પ્રથમ ટેસ્ટ મેચમાં બે દિવસ બાકી છે ત્યારે વિકેટ આજના દિવસે અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ઈંગ્લેન્ડ ઉપર મેણુ છે કે છેલ્લી પાંચ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડ હારતુ જ હોય છે ત્યારે આ ટેસ્ટમાં જો કોઈ ચમત્કાર થાય તો જ ઈંગ્લેન્ડનું મેણુ ભાંગે. પાકિસ્તાન તરફથી રમી રહેલા લેગ સ્પીનર યાસીર શાહ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ચોથા દિવસે ઓલ્ડટ્રેડફોર્ડની પીચ ઈંગ્લેન્ડનાં બેટસમેનોને ડાન્સ કરાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ત્રીજા દિવસે લેગ સ્પીનર યાસીર શાહે ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી તેના ઉપરથી જ અંદાજો આવી શકે છે કે, પીચ આજે અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને પરિણામરૂપ નિવડશે. ઓલ્ડટ્રેડફોર્ડ ગ્રાઉન્ડ પર ચોથા દિવસે ટીમને ૨૦૦ ઉપરનો સ્કોર સર કરવો હોય તો બીજી ઈનીંગ માટે ખેલાડીઓને લોઢાનાં ચણા ચાવવા જેવો ઘાટ સાબિત થશે. ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે, આજના દિવસે પાકિસ્તાનની બાકી રહેતી બે વિકેટ બાદ જયારે ઈંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ મીટીંગ કરવા આવશે તો તેઓને સાવચેતીથી બેટીંગ કરવી પડશે અને જો કોઈ ચમત્કાર થાય તો જ ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ જીતી શકશે અને તેના પર લાગેલા મેણાને ભાંગી શકશે.