ટવેન્ટી-૨૦ શ્રેણીમાં ભારતે ન્યુઝીલેન્ડની ક્લિન સ્વીપ કર્યું હતું તો વન-ડે શ્રેણીમાં ક્વિઝે ટીમ ઈન્ડિયાને વ્હાઈટ વોશ કર્યું હતું: બે ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા બન્ને ટીમો કરશે આકરી મહેનત

ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા ટવેન્ટી-૨૦ અને વનડે શ્રેણી પૂર્ણ થયા બાદ કાલથી ટેસ્ટ શ્રેણી રમવા માટે મેદાને ઉતરશે. વિલીગ્ટન ખાતે આવતીકાલથી મહેમાન ભારત અને યજમાન ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચ શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટવેન્ટી-૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રભુત્વ રહ્યું હતું તો વન-ડે શ્રેણીમાં ક્વિઝે જોર દેખાડ્યું હતું. આવામાં ટેસ્ટ સીરીઝ રોમાંચીત રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

ભારતીય સમય મુજબ વહેલી સવારે ૪ કલાકે ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં હાલ ભારત ૩૬૦ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન ભોગવી રહી છે તો ન્યુઝીલેન્ડની ટીમ ૬૦ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ભારત કુલ ૭ ટેસ્ટ રમ્યું છે જેમાં સાતેયમાં ભારતનો શાનદાર વિજય યો છે. ન્યુઝીલેન્ડની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ કુલ પાંચ ટેસ્ટ રમ્યું છે જેમાં એકમાત્ર ટેસ્ટમાં તેને જીત મળી છે. બાકીની ચારેય ટેસ્ટમાં તેને હારનું મોઢુ જોવું પડ્યું છે. કાલથી શરૂ થતી ભારત સામેની ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ઘર આંગણે ભલુ મજબૂત બનાતી હોય પરંતુ ભારત જેવી મજબૂત ટીમને હરાવી તેના માટે કપરા ચઢાણ સમાન સાબીત થશે.

ભારતીય ટીમમાં ચેતેશ્ર્વર પૂજારા, વિરાટ કોહલી, અંજીકય રહાણે, મયંક અગ્રવાલ જેવા સ્ટાર બેટ્સમેનો છે તો સામાપક્ષે ન્યુઝીલેન્ડની ટીમમાં પણ કેન વિલીયમ્સન જેવા બેટ્સમેનો છે. બન્ને ટીમો હાલ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતા ટેસ્ટ મેચ પણ રોમાંચક બને તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે.

પરંતુ ઘર આંગણે ન્યુઝીલેન્ડને પણ ઓછી આંકવાની ભૂલ ટીમ ઈન્ડિયા કરશે નહીં. કાલે ભારત વતી નવી ઓપનીંગ જોડી જ મેદાનમાં ઉતરે તેવું મનાય રહ્યું છે. મયંક અગ્રવાલ સાથે પૃથ્વી શો ઈનીંગની શરૂઆત કરતો નજરે પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. બન્ને ટીમોએ એકબીજાને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો છે. પાંચ ટવેન્ટી-૨૦ મેચની શ્રેણીમાં ભારતે ન્યુઝીલેન્ડને ૫-૦થી પરાજય આપી ઈતિહાસ રચી દીધો હતો. તો ન્યુઝીલેન્ડે વળતો પ્રહાર કરતા વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમને ૩-૦થી મહાત કરી હતી. ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસે ગયેલ ટીમ ઈન્ડિયા હવે માત્ર બે જ ટેસ્ટ રમી વતન પરત ફરશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પોતાના વિજય રને આગળ ધપાવવા માટે વિરાટ સેના મક્કમતા સાથે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ પણ ઘર આંગણે મજબૂતાઈ સાથે મેદાનમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.