એક સમય ભારતીય ટીમમાં ફાસ્ટ બોફલરોની અછત વચ્ચે હાલ ટીમ પેસ બોલરોથી ભરચક
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે મેચની સીરીઝમાં આજે પ્રથમ ટી-૨૦ મેચ હૈદરાબાદ ખાતે રમાવવા જઈ રહ્યો છે. આગામી સમયમાં ટી-૨૦ વિશ્ર્વકપ પૂર્વે ભારતીય ટીમ તમામ વિકલ્પોને ચકાસવા માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે વિશ્ર્વકપ માટે સૌથી સક્ષમ અને ઉતમ ટીમ કેવી રીતે ઉતારી શકાય તે દિશામાં હાલ ટીમ મેનેજમેન્ટ તમામ પ્રકારનાં પગલાઓ લઈ રહ્યું છે.
મેચ પૂર્વેનાં દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, હવે ભારતીય ટીમમાં ટી-૨૦ વિશ્ર્વકપ માટે ફાસ્ટ બોલરોની સંખ્યા ભરાઈ ગઈ છે ત્યારે માત્ર એક જ સ્થાન માટે તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. એક સમયે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલરોની અછત ખુબ જ વધુ જોવા મળતી હતી ત્યારે હવે ફાસ્ટ બોલરોથી ટીમ ભરચક થઈ ગઈ છે. એવી જ રીતે શુકાની વિરાટ કોહલીએ રીષભ પંતનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પંત ઉપર ભરોસો રાખવો જોઈએ અને તેનાં જે ક્રિકેટીંગ સ્કિલ છે તેનાં પર કોઈપણ પ્રકારની શંકા ન કરવી જોઈએ જેના કારણે ટીમને પંતનો ઘણો ફાયદો પણ મળશે. અમને તેની કાબેલિયત પર કોઈ શંકા નથી. કોઈ ખેલાડી ટીમ માટે સારું રમે તે અમારા બધાની જવાબદારી છે. આપણે દરેક ખેલાડીને ભરપૂર તક અને સમય આપવો જોઈએ જેથી ટીમમાં પોતાનું સ્થાન સાબિત કરી શકે.
ભૂલો થવા પર ખેલાડીઓ પર ગુસ્સો કરવો યોગ્ય નથી. પંતના સંદર્ભમાં થોડા દિવસ પહેલા રોહિત શર્માએ જે વાત કહી હતી, હું પણ તેની સાથે છું કે, પંત પર વધારે હોબાળો કરવાને બદલે તેને થોડો સમય માટે એકલો છોડી દેવો જોઈએ. ટી૨૦ ફોર્મેટમાં છેલ્લા ૨ વર્ષમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરીને મેચ જીતવામાં એટલી સહજ નથી દેખાતી, જેટલી ટાર્ગેટ ચેઝ કરતી વખતે દેખાય છે. કેપ્ટન કોહલી આ વાત પર ફોકસ કરી રહ્યો છે અને તેણે કહ્યું કે, હવે ટીમ આ જ નબળાઈને દૂર કરવા પર કામ કરશે. વિરાટની કેપ્ટનશિપમાં ટી૨૦ ફોર્મેટમાં ટીમ સ્કોર ચેઝ કરવાનું વધુ પસંદ કરે છે. ધોનીએ કેપ્ટનપદ છોડ્યું તે પછી વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમે ૪૫ મેચો રમી છે. આમાં ટીમને ૩૦મા જીત મળી છે જ્યારે ૧૪ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ૧૪માંથી ૧૦મા ત્યારે હાર મળી છે જ્યારે ટીમે પ્રથમ બેટિંગ કરીને વિરોધી ટીમ માટે ટાર્ગેટ સેટ કર્યો હોય. વિરાટ હવે ટીમનો આ જ પક્ષ મજબૂત કરવા માગે છે અને તેણે સ્પષ્ટ કરી દીધું કે, વર્લ્ડ કપ પહેલા ટીમ ટાર્ગેટ બચાવવા પર ફોકસ કરશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે જણાવ્યું છે કે આગામી વર્ષ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં ફક્ત એક જ સ્થાન બાકી છે. કોહલીએ આ રીતે સંકેત આપ્યો છે કે ઝડપી બોલર્સમાં જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનું સ્થાન ટીમમાં સુનિશ્ચિત છે ત્યારે ચોક્કસથી ટીમમાં ફક્ત એક જ સ્થાન માટે સ્પર્ધા છે બાકીના ત્રણ બોલર્સનું સ્થાન લગભગ નક્કી છે. આ સારી સ્પર્ધા છે અને તે જોવાનું રોમાંચક રહેશે કે કોણ આ સ્થાન ઝડપી શકે છે. તેણે જણાવ્યું છે કે એવું નથી કે અમારા માટે કોઈ સમસ્યા છે. મને લાગે છે કે ભુવનેશ્વર અને બુમરાહ અનુભવી ખેલાડી છે. ટી૨૦ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છએ. આ ઉપરાંત દીપક ચહર પણ સારી બોલિંગ કરે છે.