અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દુર્લભ સર્જરી
પત્નીએ જમણા લિવરના લોબનું અને દીકરાએ ડાબા લિવરના લોબનું દાન કર્યું, દર્દી હાલ સ્વસ્થ
અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં 135 કિલો વજન ધરાવતાં 44 વર્ષીય દર્દીનું જીવન બચાવવા માટે બે જીવંત દર્દીના લિવરના ભાગ લઇને લિવર ટ્રાન્સપ્લાન્ટની રાજ્યની પ્રથમ સર્જરી કરાઇ છે. દર્દીને તેની પત્નીએ જમણા લિવર લોબનું જ્યારે દીકરાએ ડાબા લિવર લોબનું દાન કર્યું છે, લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી કોઈપણ જાતની સમસ્યા વગર સારી રીતે સાજા થઈ રહ્યા છે.
હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ- લિવર ટ્રાન્સપ્લાન્ટેશન અને એચપીબી સર્જન ડો. દિવાકર જૈન જણાવે છે કે “ડ્યુઅલ લોબ લિવર ટ્રાન્સપ્લાન્ટમાં સામાન્ય મળે છે પણ ટેકનિકલ જટિલતા અને સર્જરીના પડકારોને કારણે આ પ્રકારની સર્જરી જવલ્લે જ થતી હોય છે. 44 વર્ષીય ઓટોરિક્ષા ડ્રાઈવરને લિવર સિરોસીસ, નોન-આલ્કોહોલિક સ્ટેટોહેપીટાઈટિસ, હીપોટોરાનલ સિન્ડ્રોમનો ભોગ બનેલા હતા, ડબલ વેસલ કોરોનરી આર્ટરી (કાર્ડિયાક કન્ડિશન)ની બીમારીની સાથે 135 કિલો વજન ધરાવતા હતા. જેને કારણે હોજરીમાં પાણી ભરાઈ ગયું હતું.
લિવર સિરોસીસની બીમારીમાં વ્યક્તિના વજનના પ્રમાણમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય છે. દર્દીને અનુકૂળ આવે તેવો લીવર દાતા શોધવો તે એક મોટો પડકાર હતો. જેથી હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમે ‘ડ્યુઅલ-લોબ લીવર ટ્રાન્સપ્લાન્ટ’ની જટિલ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો. કેડી હૉસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર, ડો. અદિત દેસાઈ જણાવે છે કે “ડ્યુઅલ લોબ લિવર ટ્રાન્સપ્લાન્ટ એ હોસ્પિટલ માટે એક મહત્ત્વનું સિમાચિહ્ન છે. સામાન્ય રીતે લિવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીનો જીવ બચાવવ માટે છેલ્લા વિકલ્પ તરીકે આવી શસ્ત્રક્રિયા કરાય છે.
સર્જરીમાં વિવિધ નિપુણતા ધરાવતી ટીમ્સ અને કુશળ સર્જન્સ તથા એનેસ્થેસ્ટિસ્ટસ અને ઓટી નર્સિસ તથા ટેકનિશ્યન્સની જરૂર પડે છે. આ શસ્ત્રક્રિયામાં સમાંતરપણે ત્રણ શસ્ત્રક્રિયા કરવાની હોવાથી વધુ સમય થાય છે. એક ને બદલે બે અલગ અલગ દાતાઓ પાસેથી અંગ લઈને જોડવાના હોવાથી ઓપરેશન પછીના ઈમ્યુનો સપ્રેશન દર્દી માટે પડકારયુક્ત બની રહે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટમાં તંદુરસ્ત જીવંત દાતા ઉપર શસ્ત્રક્રિયા કરીને તે વ્યક્તિના લિવરનો એક હિસ્સો લઈને જેનું લિવર અસરકારક રીતે કામ કરતું ન હોય તેવાં દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે.