વડાપ્રધાન સહિત વરિષ્ઠ રાજનેતાઓની ખામોશીને આખી યુવા પેઢી ગુનાહિત ગણાવીને વખોડે તો નવાઈ નહિ: તમામ નેતાઓ ખૂટલ અને વિશ્વાસઘાતી
મહારાષ્ટ્રની સનસનીખેજ અને ભલભલા નેતાઓને ચોંકાવી દે તેવી રાજકીય ઘટનાએ એવું પ્રસ્થાપિત કર્યું છે કે ભારત ખૂટલ અને વિશ્વાસઘાતી રાજપુરૂષોનો દેશ છે. એમને સત્તાનાં સિંહાસનની એશઆરામી તેમજ નિજી સ્વાર્થની રેલમછેલમાં જ રસ છે.
આપણા દેશમાં દેશદાઝનો દુકાળ ઘણા વખતથી પ્રવર્તે છે, પરંતુ હવે તે બિહામણો બની ગયો છે.
આપણા દેશમાં નેતાઓ નિરંકુશ બન્યા છે. લગભગ બધા જ એકબીજાની સાથે સાંઠગાંઠ અને ભાગીદારી સાધીને પોતાનું ધાર્યું કરે છે, ને નરી, આપખુદી આચરે છે, એમની જોહુકમીએ માઝા મૂકી છે. લોકો અંગ્રેજી સલ્તનતને સારી કહેવા લલચાય એટલી લંપટતા ગુમાન અને મનમાની વચ્ચે તેઓ ભીંસાઈ રહ્યા છે ! લોકશાહીને શોભે એવું કશું જ હવે આ દેશમાં જોવા મળતું નથી. રાજકર્તાઓ આ દેશ એમની બાપુકી મિલ્કત હોય એમ માનતા થઈ ગયા છે અને પદધારીઓ-અમલદારોની પંગુતા સારી પેઠે ખૂલ્લી થઈ ગઈ છે.
આપણો દેશ ગુલામ હતો તે વખતની ગુલામી કરતાં વધુ ગુલામી અત્યારના કથિત લોકશાહી શાસનમાં ભોગવવી પડે છે. એવો અફસોસ અને અજંપો સામાન્ય જનતાને અને ગરીબોને -શોષિતોને અનુભવવો પડે છે. આને લગતી બૂમરાણ અત્યારે માત્ર ગામડાઓમાં જ નહિ, શહેરોમાં પણ તે બિહામણો બની ચૂકયો છે. દેશદાઝ નથી તે તો હજૂયે અર્ધીપર્ધી ઉણપ પણ કેટલાક તો દેશદ્રોહીનાં હીન સ્તરે પહોચ્યા છે !
આપણા આખા દેશમાં રાજકર્તાઓ, નિરંકુશ શાસન ચલાવે છે. પોતાનું ધાર્યું કરે છે. મનઘડંત નિર્ણયો લે છે. અંગ્રેજી સલ્તનતથીયે વધુ જો હુકમી આચરે છે અને રાજાઓની લંપટતા કરતાંય વધુ લંપટતા તથા તોછડાઈ આજના શાસકો આચરે છે. પદધારીઓની પંગુતા તેમજ મતિભ્રષ્ટતા હવે ખૂલ્લી થઈ ચૂકી છે. એ કોઈથી અજાણ્યું રહ્યું નથી.
મહારાષ્ટ્રની હીન કક્ષાની ઘટનાએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે, આપણા દેશમાં બંધારણની પવિત્રતા સામે નવા નવા પડકારો ઉભા થતા રહ્યા છે. અને પ્રજાતંત્રની કશીજ કિંમત રહેવા દેવાઈ નથી. દેશના સવા અબજ લોકો ભારત ગુલામ હતો તે વખત કરતાય વધુ ખરાબ ગુલામી ભોગવી રહ્યા છે !
ચૂંટણી પ્રથાથી માંડીને શાસનપધ્ધતિ સુધી કશું જ લોકોને સંતોષે છાપરે ચઢી છે.
મહારાષ્ટ્રની હીનમાંહીન ઘટનાએ મોટા શહેરોથી માંડીને ગામેગામ સુધી આપણા દેશની રાજકીય હલકટાઈ અને નપાવટતાને જાણી લીધા છે. અને મહારાષ્ટ્રે આખા દેશમાં સૌથી પહેલું રાજકીય કતલખાનું શરૂ કરવાનું પાપ કર્યું છે. એવી તીવ્ર લાગણી પ્રગટ કરી છે!
અભ્યાસી રાજપુરૂષોએ તો એવો ભય વ્યકત કર્યો છે કે, હવે આખા દેશમાં આ પ્રકારનાં રાજકીય કતલખાનાઓ ખૂલશે અને તે આ દેશના કમભાગી શિરસ્તામાં ફેરવાઈ જશે!
કદાચ એવી ટકોર પણ થશે કે, ખૂટલ, વિશ્ર્વાસઘાતી અને રાજગાદી તેમજ સત્તાની એશઆરામીને ખાતર દેશની અને રાજપુરૂષોની આબરૂને વેચી મારે કે એની સ્વતંત્રતાને કલંક લગાડે એવા નેતાઓ ભારત સિવાય અન્ય કયાંય નહિ મળે!
વડાપ્રધાન સહિત જે વરિષ્ઠ રાજનેતાઓએ આ રાજકીય દૂરાચાર સમી ઘટના અંગે ખામોશી રાખી એનો અર્થ તેમણે આ રાજકીય સમર્થન આપ્યું એવો પણ થઈ શકે છે!
આપણા દેશના સાંસ્કૃતિક ધાર્મિક અને વેદિક વિચારધારા ધરાવતા સાહિત્ય સ્વામી અને રાષ્ટ્રીય સંસ્કારના પોષક ઋષિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું છે કે જયાં માનવીનાં મન નિર્ભય હો, મસ્તક ગૌરવમાં ઉંચા હો, જ્ઞાન મુકત હો અને સ્વાર્થની સાંકળી દિવાલોમાં વિશ્ર્વ ખંડિત ન હો..
જયાં એક એક શબ્દ સત્યની ચાળણીમાંથી ચળાઈ ચળાઈને જ બહાર આવતા હો, જયાં અપર્ણતામાંથી પૂર્ણતા પ્રાપ્ત કરવાની સતત મથામણ રહે,… નોબેલ પ્રાઈસ વિજેતા ગૂરૂદેવની આ ભાવનાને પ્રબળ બનાવવાને બદલે આપણા નેતાઓ -રાજકર્તાઓએ જાણે છેદ જ ઉડાડી દીધો છે અને એના સ્થાને એને પૂરેપૂરી વિકૃત બનાવી દેવાની ચેષ્ટા કરી છે.
આપણા દેશને સ્વતંત્રતા મળી તે વખતથી જ આપણા શાસકોએ શ્રીમંતોની જેટલી ખેવના કરી છે અને તેમની જીવનશૈલીને વિકાસનો માપદંડ ગણ્યો છે એટલો નાના લોકોની અને તેમની જીવન શૈલીની ખેવના નથી કરી એવો સ્પષ્ટ ખ્યાલ આપણા દેશની વર્તમાન બૂરી હાલત ઉપરથી ઉપસી આવે છે.
આપણા શાસકો-સૂકાનીઓની આ ભૂલ કમનશીબે આજ સુધી જેમની તેમ રહી છે! આપણે કયારે સમજશું કે નાનકડા માણસોની જીવન-ફિલ્સુફી વડે જ આ વિશ્ર્વ આટલું સુંદર દેખાય છે ! તે બધા ઉમદા શ્રમ-પરિશ્રમ કરવાની બાબતને, પોતાની પાસે જે કાંઈ સુખ સુવિધા હોય તેનો સરખે ભાગે વહેંચીને જ ઉપભોગ કરવામાં માને છે, કોઈની ઈર્ષા અદેખાઈ કરતા નથી. ટાંટિયાખેંચ કરતા નથી અને રાષ્ટ્રપ્રેમ તથા દેશભકિતને પોતાનો ધર્મ સમજે છે.
મહારાષ્ટ્રની ઘટનાએ એ વાતની પ્રતીતિ કરાવી છે કે, આપણો દેશ પતન ભણી ઘસી રહ્યો છે તેના મૂળમાં આપણા નેતાઓ અને રાજપુરૂષોની છીછરી, સંકુચિત અને નિજી સ્વાર્થની માનસિકતા જ છે. જો આપણા રાજપુરૂષો નેતાઓ, આગેવાનો, સુકાનીઓ અને તેમના સંગાથીઓ ચૂંટણી લક્ષી અને રાજગાદી લક્ષી ન બન્યા હોત અને પગથી માથાં સુધી રાષ્ટ્રીય સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મને સર્વોપરિ ગણીને જ ચાલ્યા હોત તો દેશની અને આપણા સમાજની આટલી મોટી અધોગતિ ન જ થઈ હોત !
આપણા દેશમાં જેને ગળથુથી કહીએ છીએ તે જો આપણા રાજપુરૂષોની ઉમદારીતે અને ઉમદા પ્રકારની મળી હોત તો આપણો દેશ આટલી હદે બરબાદ ન થયો હોત અને મહારાષ્ટ્ર જેવી હલકટ ઘટના ન બની હોત અને ભારતીય રાજકારણ તેમજ ભારતીય સંસ્કારની આટલી હદે આબરૂ ન જાત !
આપણે મહારાષ્ટ્રમાં દેશનું સર્વપ્રથમ રાજકીય કતલખાનું થયું તેને ચૂંથવાને બદલે અર્થાત્ તેનું પોસ્ટમોર્ટમ કરવાને બદલે હવે પછી આ દેશમાં જયાં ત્યાં બધે જ આવા કતલખાનાં ન ખૂલે એ માટેનો સંકલ્પ કરવો જોઈએ અને તે શિરસ્તો ન બની જાય તેની ઠોસ કાળજી લેવી ઘટે !
આપણા દેશનાં રાજકારણમાં અત્યારે જે નિજી સ્વાર્થ અને રાજગાદી લક્ષી માનસિકતાએ માઝા મૂકી છે, તેના ઉપર મજબૂત અને શકય બને તો સર્વસંમત મજબૂત લગામ મૂકવી ઘટે ! જો એમાં નિષ્ફળ જવાશે તો આ દેશમાં ખૂટલ અને કપટી, વિશ્ર્વાસઘાતી રાજપુરૂષોનો રાફડો ફાટશે, જે દેશને વધુને વધુ અસ્થિરતા, એકાધિકારવાદ અને પ્રજાકીય વિદ્રોહની ઉંડી ખાઈમાં ધકેલશે અને આપણા સ્વાતંત્ર્યની સલામતીને જોખમાવશે, એમ કહ્યા વિના છૂટકો નથી ! આખરે તો આમાંથી લોકશાહી અને એક અબજ વીસ કરોડની પ્રજાના પ્રજાતંત્રને ઉગારવાનો સવાલ છે !