- હાલ 19 હજારથી વધુ સ્ટાફની યાદી તૈયાર, તેમાંથી અનેક નામો નીકળી જશે
- જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે રેન્ડમાઇઝેશન પ્રક્રિયા
અબતક, રાજકોટ ન્યૂઝ : આવતીકાલે કલેકટર કચેરી ખાતે ચૂંટણી સ્ટાફની રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા યોજાશે. જેમાં જિલ્લામાં ચૂંટણી ફરજ માટે અંદાજે 12,500 જેટલો સ્ટાફ નક્કી થઈ જશે. ત્યારબાદ આગામી દિવસોમાં સેક્ધડ અને અંતિમ સમયમાં થર્ડ રેન્ડમાઈઝેશન યોજવામાં આવશે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. 7એ રાજકોટ લોકસભા બેઠક માટે મતદાનની પ્રક્રિય યોજનાર છે. જેના માટે હાલ 24 જેટલા નોડલ ઓફિસર નિમિને તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આવતીકાલે સ્ટાફનું પ્રથમ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવનાર છે.
હાલ ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના 19 હજાર જેટલા સ્ટાફની યાદી તૈયાર છે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ અંદાજે 12500 જેટલો સ્ટાફ ચૂંટણી ફરજ માટે ફાઇનલ થશે. આ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા માત્ર જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં થશે. જ્યારે રાજકીય પક્ષો આ પ્રક્રિયામાં હાજર રહેશે નહિ.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાનાર છે. ત્યારબાદ આગામી દિવસોમાં સેક્ધડ રેન્ડમાઇઝેશન યોજાશે. જેમાં ચૂંટણી સ્ટાફે કઈ વિધાનસભા બેઠકમાં ફરજ બજાવવાની છે તે નક્કી થશે.ત્યારબાદ થર્ડ રેન્ડમાઇઝેશન યોજાશે જેમાં સ્ટાફને ક્યાં મતદાન મથક ઉપર ફરજ બજાવવાની છે તે નક્કી થશે.
800થી ઓછા મતદારો હોય તેવા 401 બુથ, તેનાથી વધુ હોય તેવા 1835 બુથ
રાજકોટ જિલ્લામાં 2236 મતદાન મથકો છે. જેમાં 800થી ઓછા મતદારો હોય તેવા રાજકોટ પૂર્વમાં 24, રાજકોટ પશ્ચિમમાં 27, રાજકોટ દક્ષિણમાં 25, રાજકોટ ગ્રામ્યમાં 92, જસદણમાં 37, ગોંડલમાં 53, જેતપુરમાં 87 અને ધોરાજીમાં 56 બુથ મળી કુલ 401 બુથ છે. જ્યારે 800થી વધુ મતદારો હોય તેવા રાજકોટ પૂર્વમાં 240, રાજકોટ પશ્ચિમમાં 283, રાજકોટ દક્ષિણમાં 203, રાજકોટ ગ્રામ્યમાં 289, જસદણમાં 222, ગોંડલમાં 180, જેતપુરમાં 208 અને ધોરાજીમાં 210 બુથ મળી કુલ 1835 બુથ છે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર કુલ 21.04 લાખ મતદારો
10.89 લાખ પુરુષ, 10.14 લાખ મહિલાઓ અને 35 થર્ડ જેન્ડર : 2036 જેટલા મતદાન મથક
રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા અને વાંકાનેર વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે ગોંડલ અને જેતપુર વિધાનસભા બેઠકની બાદબાકી થાય છે. રાજકોટ લોકસભા બેઠક વાઇઝ મતદારો જોઈએ તો ટંકારા બેઠકમાં 1.29 લાખ પુરુષ, 1.22 લાખ મહિલા મળી 2.51 લાખ મતદારો છે. અહીં 291 બુથ છે. વાંકાનેર બેઠકમાં 1.47 લાખ પુરુષ, 1.38 લાખ મહિલાઓ અને 2 થર્ડ જેન્ડર મળી 2.86 લાખ મતદારો છે. અહીં 302 બુથ છે. રાજકોટ પૂર્વમાં 1.58 લાખ પુરુષ, 1.43 લાખ મહિલાઓ અને 8 થર્ડ જેન્ડર મળી 3.02 લાખ મતદારો છે. અહીં 264 બુથ છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં 1.82 લાખ પુરુષ, 1.77 લાખ મહિલાઓ અને 4 થર્ડ જેન્ડર મળી 3.59 લાખ મતદારો છે. અહીં 310 બુથ છે. રાજકોટ દક્ષિણમાં 1.32 લાખ પુરુષ, 1.25 લાખ મહિલાઓ અને 13 થર્ડ જેન્ડર મળી 2.57 લાખ મતદારો છે. અહીં 228 બુથ છે. રાજકોટ ગ્રામ્યમાં 2.01 લાખ પુરુષ, 1.82 લાખ મહિલાઓ અને 8 થર્ડ જેન્ડર મળી 3.83 લાખ મતદારો છે. અહીં 381 બુથ છે. જસદણમાં 1.36 લાખ પુરુષ, 1.25 લાખ મહિલાઓ મળી 2.62 લાખ મતદારો છે. અહીં 259 બુથ છે. આમ કુલ લોકસભા બેઠકમાં 10.89 લાખ પુરુષ, 10.14 લાખ મહિલા અને 35 થર્ડ જેન્ડર મળી 21.04 લાખ મતદારો છે. 2036 મતદાન મથકો છે.