રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં સમાવિષ્ટ થતા વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ: પાટીદાર, દલિત, ઓબીસી સહિતના સમાજ કોંગ્રેસને પડખે: કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વશરામભાઈ સાગઠિયાએ આજે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જો વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજેતા બનીશ તો મારું પ્રથમ લક્ષ્યાંક પ્રજાના પ્રાથમિક પ્રશ્ર્નો હલ કરવાનું રહેશે.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ થતા વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે. છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપે અહીં વિકાસના કોઈ કામ કર્યા નથી. દલિત, પાટીદાર અને ઓબીસી સમાજ કોંગ્રેસના પડખે હોય. અમારી જીત નિશ્ર્ચિત છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામ્ય બેઠકમાં અનેક પ્રશ્ર્નો જેવા કે ખરાબ રસ્તાઓ, પીવાનું પાણી, ડ્રેનેજની સમસ્યાનો વર્ષોથી કોઈ નિકાલ આવ્યો નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયાએ કોંગ્રેસ સાથે ગદારી કરી છે. લોકો ભાજપથી તોબા પોકારી ગયા છે. પાર્ટીએ મારા પર વિશ્ર્વાસ મુકી મને ટિકિટ ફાળવી છે.
પાર્ટીના વિશ્ર્વાસ તૂટે તેવું એક પણ કાર્ય હું કરીશ નહીં. લોકોની પ્રાથમિક જરૂરીયાત સંતોષાય અને પાયાની સમસ્યા હલ થાય તે મુજબની કામગીરી કરીશ.
જે રીતે ભાજપ સરકારે પાટીદાર, દલિત અને ઓબીસી સમાજ પર દમન ગુજાર્યો છે તેનાથી લોકો હવે કોંગ્રેસના પડખે આવી ગયા છે.
કોંગ્રેસ પાર્ટીએ આંતરીક સર્વેના આધારે જીતી શકે તેવા જ ઉમેદવારોને ટિકિટ આપવાનું નકકી કર્યું હતું. જેના ફળ સ્વરૂપે મને ટિકિટ ફાળવવામાં આવી છે.