પ્રથમ તબક્કામાં ૭૧ બેઠકો પર કડક સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે ૭૧ બેઠકો પરનું મતદાન ૮ નેતાઓ અને ૧ પૂર્વ મુખ્યમંત્રીના ભાવિનો ફેંસલો કરશે. બુધવારે છેલ્લી ઘડીના પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા બાદ ઉમેદવારોએ મતદારોને રીઝવવા સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. પ્રથમ તબક્કામાં આજે બિહારના રાજકારણમાં દિગ્ગજ ગણાતા ૮ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી જિતેનરામ માંજી અને ૮ પૂર્વ મંત્રીઓમાં પ્રેમકુમાર, કૃષ્ણનંદન વર્મા, શૈલેષકુમાર, વિજયકુમાર સિંન્હા, જયકુમારસિંહ, રામનારાયણ મંડલ, સંતોષકુમાર નિરાલા અને બ્રિજકુમાર વૃંદના ભાવી આજે મત પેટીમાં સીલ થશે. મંત્રી પ્રેમકુમાર ગયા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ છેલ્લી ઘડી સુધી કાર્યકરો સાથે મંત્રણાઓનો દૌર ચલાવી રહ્યાં હતા. ભાજપના ઉમેદવાર દિપક શર્મા પણ અરવલમાં છેલ્લી ઘડીના પ્રચારમાં વ્યસ્ત હતા. કોંગ્રેસના સુલતાનગંજના ઉમેદવાર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ લલનકુમારે પણ મતદારોને રીઝવવા માટે અંતિમ ઘડીના પ્રયાસો કરી લીધા હતા. લોક જનતા પાર્ટીના અમરાપુરના ઉમેદવાર મુર્ણાલ શેખર સહિતના નેતાઓએ મતદાન પૂર્વે છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાનું ચાલુ રાખ્યું હતું.

રાજ્યમાં ૨૪૩ બેઠકોમાંથી આજે ૭૧ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૧૦૬૬ ઉમેદવારો માટે ૨.૧૪ કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ માટે ૩૧૩૭૧ બુથનો ઉપયોગ કરશે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. આજે પ્રથમ તબક્કામાં ૭૧ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારબાદ ૩જી નવેમ્બર અને ૭મી નવેમ્બરે બીજા અને ત્રીજા મતદાનમાં ૧૦મી નવેમ્બરે મત ગણતરી થશે. આ લખાય રહ્યું છે ત્યારે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ ર્હયું છે. સીઆરપીએફ જવાનો દ્વારા ચૂંટણી વ્યવસ્થાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ અને વિકલાંગ વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની માટેની ખાસ વ્યવસ્થામાં પોતાની ફરજ બજાવી હતી.

બિહારના નાયબ મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે શાંતિની અપીલ કરી હતી. આજના પ્રથમ તબક્કાના મતદાનમાં મોટાભાગે દલીત અને મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બિહારના દક્ષિણ ગંગા, માઘી, ભોજપુરી જેવા દલીત બહુમતિવાળા વિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત યાદવ, ઓબીસી મતદારોમાં કરમી, કુશ્વાહ અને મુસ્લિમ દલીત મતદારોવાળા પ્રભાવી વિસ્તારોમાં થઈ રહેલા આજના મતદાન પર બિહારના ચૂંટણી પરિણામોની મોટી અસર રહેશે. બિહારના રાજકારણમાં અને આ વખતે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં મોટાભાગના કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે. ૫ કરોડથી વધુ સંપતિ ધરાવતા ૯ ઉમેદવારો ૨ થી ૫ કરોડની સંપતિ ધરાવતા ૧૨ ઉમેદવારો અને ૫૦ લાખથી ૨ કરોડ ધરાવતા ૨૮ ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં આજે જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તેમાંથી ૨૩ ટકા ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આ લખાય રહ્યું છે ત્યારે પ્રારંભીક તબક્કામાં ૮ થી ૨૦ ટકા જેટલું મતદાન થયું છે. કડક પોલીસ જાપ્તા વચ્ચે થઈ રહેલા મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભેદ સુરક્ષા-બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.