સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજોમાં વિધાર્થીઓને એક કોલેજમાંથી બીજી કોલેજમાં પ્રવેશ મેળવવા ત્રણેય વર્ષની ફી ભર્યા બાદ જ ટીસી આપતા હોવાનું સામે આવ્યું

યુનિવર્સિટીએ અગાઉ પરિપત્ર જાહેર કર્યો છે કે ટ્રાન્સફર ફોર્મની કામગીરી જે તે કોલેજે કરવાની રહેશે છતાં ઘણી કોલેજો પોતાનું મનસ્વી વલણ દાખવી વિધાર્થીઓના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પણ આપતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી

તાજેતરમાં જ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને યુનિવર્સીટી અને કોલેજોમાં હાલ પ્રવેશ પ્રકિયા પણ ચાલુ જ છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા વિધાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો વિધાર્થીઓને એક કોલેજમાંથી બીજી કોલેજમાં પ્રવેશ મેળવવા ત્રણેય વર્ષની ફી ભર્યા બાદ જ ટીસી આપતા હોવાનું સામે આવ્યું છે અને મોટા ભાગની ખાનગી કોલેજો તો ટ્રાન્સફર સર્ટિફિકેટ જ ના આપતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટની એક કોલેજની બીસીએમાં અભ્યાસ કરતી ત્રણ વિધાર્થીનીઓએ કોલેજમાં ટીસીની માંગ કરતા તેઓને પહેલા ત્રણેય વર્ષની ફી ભરવાનું કહેવામાં આવતા આ ત્રણેય વિદ્યાર્થનીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રજીસ્ટરને ઓનલાઇન ફરિયાદ કરેલી હતી જો કે હજુ 24 કલાક બાદ પણ રજીસ્ટારને આ બાબત નો કોઈ ખ્યાલ જ ના હોય તેમ હાથ ઉંચા કરી દીધા હતા.

બીજીબાજુ મોટાભાગની કોલેજો એવી છે કે જે વિધાર્થીઓને ટ્રાન્સફર ત્રણ વર્ષ પુરા થઇ જાય ત્યાં સુધી આપતી નથી. વિધાર્થીઓને એક વર્ષ પૂર્ણ થયા બાદ કોઈ અન્ય કોલેજોમાં અભ્યાસ અર્થે જવું હોય ત્યારે ટીસી ના માળતા ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.

જોકે યુનિવર્સીના પરિપત્ર મુજબ વિધાર્થીઓને કોલેજ બદલાવવા માટે ટીસી ની જરૂર જ નથી અને કોલેજ દ્વારા જ વિધાર્થીનું ટીસી યુનિવર્સીટી ખાતે જમા કરવાનું હોય છે.

જો કે હવે મોટાભાગના વિધાર્થીઓએ આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રજીસ્ટરને ફરિયાદ કરેલી છે હવે તાકીદે આ બાબતનું નિવારણ આવે તેવી માંગ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ટ્રાન્સફર ફોર્મની પ્રકિયા હવેથી કોલેજ દ્વારા કરવાની રહેશે

જોડાણ વિભાગના પરિપત્ર મુજબ, એક કોલેજમાંથી વિધાર્થી પ્રવેશ રદ  કરાવીને અન્ય કોલેજમાં ટ્રાન્સફર થવા ઇરછે ત્યારે વિધાર્થીને ’નાં વાંધા પ્રમાણપત્ર’ આપવામાં આવતું નથી તેમજ વિધાર્થી પાસેથી ફરજીયાત પણે બાકીના તમામ વર્ષની ફી જમા કરવાની ફરજ પાડવામાં આવે છે  ત્યારબાદ જ વિધાર્થીઓને તેના ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. ત્યારે કોઈપણ કારણોસર વિધાર્થી અભ્યાસ કરવા ઇરછતો હોય તો તેની પાસેથી ત્રણેય વર્ષની ફીની માંગણી કરવી ગેરકાયદેસર છે જેનો અગાઉ પણ યુનિવર્સીટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 2015માં યુનિવર્સીટી દ્વારા ફરી એકવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત કાઉન્સિલ અંતર્ગત આવતા ન હોય તેવા અભ્યાસક્રમોમાં કોલજ ટ્રાન્સફર માટે વિધાર્થીએ કોઈ કોલેજ પાસેથી એનઓસી લેવાનું રહેશે નહિ, પરતુ જે કોલેજમાં પ્રવેશ મેળવવાનો હોય તે કોલેજે સીધું જ ટ્રાન્સફર ફોર્મ યુનિવર્સીટીમાં રજુ કરવાનું રહેશે અને હવેથી કોલેજ દ્વારા કાર્યવાહી કરવાની રહેશે.

વિધાર્થીઓના ઓરીજીનલ ડોક્યુમેન્ટ કોલેજો પોતાની પાસે ન રાખી શકે

સૌરાષ્ટ્ર યુનિવર્સટીમાં લાખો વિધાર્થીઓ અભ્યાસ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન 242 કોલેજમાં હાલ પ્રવેશની કામગીરી ચાલુ છે ત્યારે મોટાભાગની ખાનગી કોલેજો એવી છે કે જે વિધાર્થીઓના પ્રવેશ સમયે તેના ઓરીજીનલ ડોક્યુમેંટ ત્રણ વર્ષ સુધી કોલેજમાં જમા કરી રાખે છે અને આવી કોલેજો વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે કેમ કે ડોક્યુમેન્ટ જમા કરવા એ ગેરકાયદેસર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.