૩૧મી ઓકટોબરે એટલે કે સરદાર જયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે કેન્દ્રીય કેબિનેટ બેઠક: રાજય સરકારે તૈયારીઓ આરંભી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં હોવાનો લાભ રાજયને સારી પેઠે મળી રહ્યો છે. ગુજરાતનાં ઈતિહાસમાં આઝાદીનાં ૭ દાયકાઓમાં કયારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આગામી ૩૧મી ઓકટોબર એટલે કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનાં શુભદિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતનાં કેન્દ્રનાં તમામ મંત્રીમંડળનાં સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ અંગે રાજય સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનપદે સતારૂઢ થયા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિને પાટનગર દિલ્હીનાં બદલે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ નાં મહેમાન બનાવ્યા હતા. ગુજરાતમાં આઝાદીનાં ૭ દાયકા દરમિયાન કયારેય એવું નથી બન્યું કે, કેન્દ્રીય કેબિનેટની બેઠક રાજયમાં મળી હોય. આગામી ૩૧મી ઓકટોબરનાં રોજ દેશનાં પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કેબિનેટની બેઠક જયાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવાનો નિર્ણય લીધો છે. ૩૧મી ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક સાથે પ્રોબેશન પીરીયડમાં રહેલા આઈએએસ, આઈપીએસ, આર.આઈ.એસ સહિતનાં સનદી અધિકારીઓની પણ બેઠક બોલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં દેશભરનાં ડીજીપી પણ બેઠક યોજી હતી.
સામાન્ય રીતે કેન્દ્રીય કેબિનેટની બેઠક રાજધાની દિલ્હી ખાતે જ યોજાતી હોય છે પરંતુ પ્રથમ વખત ગુજરાતમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં અલગ-અલગ નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રી જેમ કે નીતિન ગડકરી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્રપ્રધાન, સ્મૃતિ ઈરાની, એસ.જયશંકર સહિતનાં કેબિનેટ મંત્રીઓ હાજરી આપશે. ગુજરાતમાં પ્રથમવાર મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કોઈ વ્યવસ્થાની ખામી ન દેખાય તે માટે રાજય સરકાર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.