માંડવી તાલુકાના વિકસિત એવા બીદડા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચાર આચરાયાના મામલે માંડવી તાલુકા ભાજપનું મોટું માથું ગણાતા અને બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ સંગાર સહિત ગ્રામ પંચાયતના 10 સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા માંડવી તાલુકામાં ચકચાર મચી ગઇ છે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ  ગ્રામ પંચાયત દ્વારા થયેલા વિકાસના કામોમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલાની તપાસના અહેવાલના આધારે સરપંચ સહિત 10 સભ્યોને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. 14માં નાણાપંચની ગ્રાન્ટનો દુરુપયોગ થયેલો છે તેવા આક્ષેપ થયા બાદ માંડવી તાલુકા પંચાયત દ્વારા હાથ ધરાયેલી તપાસમાં તથ્ય જણાઈ આવતા જિલ્લા વિકાસ અધિકારી વર્માએ આકરુ પગલું ભર્યું હતું. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં સરપંચ સુરેશભાઈ સંઘાર ઉપરાંત નયનાબા જાડેજા, કુસુમબેન હુસેનભાઇ, જયશ્રીબેન રાજગોર, ભાવેશ રતિલાલ, પ્રેમીલાબેન માહેશ્વરી, સુરેશ રામાણી, વિનોદ રાજગોર, અસમલ માતંગ, બીપીન સુઈયાનો સમાવેશ થાય છે.

આ તમામ સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57/1 પ્રમાણે પગલા લેવાયા છે આ સુનાવણી દરમિયાન અરજદારો વતી એડવોકેટ પિયુષ સંઘાર હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં પંચાયત ક્ષેત્રે કથિત ભ્રષ્ટાચાર મામલે સરપંચ સહિત એક સાથે દસ સભ્યો સસ્પેન્ડ થયા હોય તેવો સંભવત પ્રથમ કેસ છે બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના દસ સભ્યો સસ્પેન્ડ થતાં અને તેમાં પણ સરપંચ સુરેશ સંગાર માંડવી તાલુકામાં ભાજપનો મોટું માથું ગણાય છે તેમની સામે આકરા પગલાએ ચકચાર મચાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.