- શહેરના ભક્તિનગર અને કોટડા સાંગાણી વિસ્તારમાં નોંધાયેલ હિટ એન્ડ રન કેસમાં કલેકટરે કલેઇમ મંજુર કર્યાના એક જ મહિનામાં વળતર બેન્ક ખાતામાં જમા થઈ ગયું
રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લાના બે હિટ એન્ડ રન કેસમાં રૂ.2-2 લાખની સહાય મળી ગઈ છે. શહેરના ભક્તિનગર અને કોટડા સાંગાણી વિસ્તારમાં નોંધાયેલ હિટ એન્ડ રન કેસમાં કલેકટરે કલેઇમ મંજુર કર્યાના એક જ મહિનામાં વળતર બેન્ક ખાતામાં જમા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને વળતરની રકમ રૂપિયા 25,000 થી વધારીને 2 લાખ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના મંજુર કરાવી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર સૂચવવામાં આવ્યું છે. આ નવા કાયદા બાદ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ હિટ એન્ડ રનમાં મૃત્યુના 6 અને ઇજાના 2 કેસોમાં વળતર મંજુર કર્યું હતું. બાદમાં આ દરખાસ્ત જનરલ ઈન્સ્યોરન્સ નામની વીમા કંપનીને મોકલવામાં આવી છે.
જેમાં રાજકોટ દક્ષિણ મામલતદાર વિસ્તારમાં આવતા ગોવિંદભાઈ ભગવાનજીભાઈ વાડોદરિયાનું મોત થયું હતું. તેમના પત્ની લીલાબેનના ખાતામાં રૂ. 2 લાખ જમા થઈ ગયા છે. આવી જ રીતે કોટડા સાંગાણી વિસ્તારમાં પણ એક મૃતકના પરિવારજનના ખાતામાં રૂ.2 લાખ જમા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ દક્ષિણ મામલતદાર અને કોટડા મામલતદાર ટીમે ઘરે જઈને અરજી કરી જરૂરી ફોર્મ ભરી કાર્યવાહી કરી હતી. જેને પરિણામે બન્ને હતભાગી પરિવારોને વળતર મળી ગયું છે.