પ્રથમ સત્રાંત કસોટીમાં ધોરણ-3થી 5માં 40 ગુણ અને ધોરણ-6થી 8માં 80 ગુણની પરીક્ષા લેવામાં આવશે
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત કસોટીનો 26 ઓક્ટોબરથી પ્રારંભ થશે. પ્રથમ સત્રાંત કસોટીને લઈને સૂચિત કાર્યક્રમ જાહેર કરાયા બાદ ફાઈનલ કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. જેમાં સૂચિત કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું જાણવા મળે છે. જેથી હવે 26 ઓક્ટોબરે શરૂ થનારી પ્રથમ સત્રાંત કસોટી 4 નવેમ્બરે પૂર્ણ થશે. પ્રથમ સત્રાંત કસોટીમાં ધોરણ-3થી 5માં 40 ગુણ અને ધોરણ-6થી 8માં 80 ગુણની પરીક્ષા લેવામાં આવશે. જીસીઇઆરટી દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં લેવાનારી પ્રથમ સત્રાંત કસોટી અંગે એક માસ પહેલા સૂચિત કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ત્યારબાદ હવે ફાઇનલ કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત કસોટીનો 26 ઓક્ટોબરથી પ્રારંભ કરવામાં આવશે અને 4 નવેમ્બરે પ્રથમ કસોટી પૂર્ણ થશે. 9 નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થવાનો હોવાથી તે પહેલાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. પ્રથમ સત્રાંત કસોટી માટેનો અભ્યાસક્રમ જૂન માસથી લઈને ઓક્ટોબર માસ સુધીનો નક્કી કરાયો છે.ધોરણ-3થી 8ની પ્રથમ સત્રાંત કસોટી 26 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. જેમાં ધોરણ-3થી 5ની પરીક્ષા 3 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે.
જ્યારે ધોરણ-6થી 8ની પરીક્ષા 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. ધોરણ-3થી 5ની પ્રથમ સત્રાંત કસોટી 40 ગુણની લેવામાં આવશે. જ્યારે ધોરણ-6થી 8ની પ્રથમ સત્રાંત કસોટી 80 ગુણની લેવાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.