આંતરરાષ્ટ્રીય મેચ, નવુ સ્ટેડીયમ, ટેસ્ટ મેચના સપના સાકાર કરવાની જવાબદારી નવી ટીમને સોંપાઇ, નવા સ્ટેડીયમમાં ૩૬૫ દિવસ ક્રિકેટ રમાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના પ્રમુખ જયદેવ શાહ, ઉપપ્રમુખ દિપક લાખાણી, માનદમંત્રી હિમાંશુ શાહ, જોઇન્ટ સેક્રેટરી કરણ શાહ, માનદ ખજાનચી શ્યામ રાયચુરાએ કાર્યભાર સંભાળ્યો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નવા બીનહરીફ ચુંટાયેલા હોદેદારોની ટીમે નવી જવાબદારી સાથેનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર દાયકા સુધી ક્રિકેટ એસો.ની યાત્રાને રાજકોટથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચાડનાર નિરંજનભાઇ શાહના માર્ગદર્શન હેઠળ નવી બોડી પ્રગતિના નવા શિખરો સર કરશે. રાજકોટમાં દેશનું પ્રથમ ડોમ સાથેનું ક્રિકેટ ટેડીયમનું નિર્માણ કરવા માટે પણ તૈયારી થઇ રહી છે.
ખંઢેરી પાસેના આધુનિક ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મળેલી એસો.ની મીટીંગમાં પ્રમુખ જયદેવ શાહ, ઉપપ્રમુખ હિમાંશુ શાહ, જોઇન્ટ સેક્રેટરી કરણ શાહ ખજાનચી શ્યામ રાયચુરાએ ચાર્જ સંભાળ્યો છે.
ક્રિકેટ એસો.ના નવ નિયુક્ત હોદ્દેદારોને નિરંજનભાઇ શાહે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાર દાયકાથી તેઓ ક્રિકેટ એસો.ની જવાબદારી સંભળી છે. પ્રારંભે નાણાકીય પડકારો હતા પરંતુ ક્રિકેટ એસો.ના વર્ષો જુના અને નવા સદસ્ય પરિવારે સતત આપેલા ટેકા, સહકાર, વિશ્વાસ સાથેની જવાબદારીના કારણે રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટના નકશામાં પહોચાડવામાં સફળતા મળી છે. હવેનું સપનું ‘ડોમ’સાથેનું પ્રથમ ક્રિકેટ સ્ટેડીયમ બનાવવાનું છે.
વધુમાં નિરંજનભાઇ શાહે કહ્યું કે ચાલુ વર્ષે ખુબ વરસાદ પડતા ઘણી ક્રિકેટ મેચ રમાડી શકાઇ નથી. આથી હવે વરસાદનું વિઘ્ન મેચને ન નડી તે માટે દેશનું સૌ પ્રથમ ‘ડોમ’સાથેનું ઇન્ડોર ક્રિકેટ સ્ટેડીયમ બનાવવાની તૈયારી હાથ ધરાઇ રહી છે. આવું ઇન્ડોર સ્ટેડીયમ બને તો રાજકોટમાં ૩૬૫ દિવસ મેચ રમાડી શકાશે. ઉલ્લેખનીય છે કે આ માટે હાલ ક્રિકેટ સ્ટેડીયમ નજીક જ વધુ ૧૭ એકર જમીન ખરીદવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સફળ ક્રિકેટ યાત્રાની પુરેપુરી ક્રેડીટ નિરંજનભાઇ શાહે એસો. ના તમામ સભ્યોને આપી છે. અત્યાર સુધી સભ્યોએ આપેલો સહકાર અને મુકેલો વિશ્વાસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી નવી ટીમને પણ વર્ષો જુના અને નવા સભ્યો આટલો જ સહકાર આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
નવા પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે નિરંજનભાઇના માર્ગદર્શન હેઠળ મીડીયા સંકલન સહીતની જવાબદારી વર્ષોથી સંભાળી છે. ક્રિકેટ એસો.નો હિસ્સો બનીને કામ કર્યુ છે. જયારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના નવા જોઇન્ટ સેક્રેટરી કરણ શાહે નવા સપના પુરા કરવા તથા ભવિષ્યના નવા ખેલાડીઓના પ્લેટફોર્મ માટે વધુને વધુ સુવિધા આપવાના પ્રવાસો પર ભાર મુકતા વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી પુરી ટીમ ડોમ સાથેના નવા ક્રિકેટ સ્ટેડીયમના પ્રોજેકટ માટે ખુબ જ આતુર છે.