મહિલાના ત્રિપલ તલાક મામલે વડોદરા કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ મામલો સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે હવે વડોદરા કોર્ટે એક મહિલાના તલાક મામલે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવ્યા બાદ તલાક સામે સ્ટેનો દેશનો આ પ્રથમ કેસ બની ગયો છે.એપ્રિલ ૨૦૧૭માં વડોદરાની એક મુસ્લિમ મહિલાએ અદાલતમાં દાવો દાખલ કરી પતિએ ત્રણ વખત તલાક બોલીને તેને ઘરેથી કાઢી મુકી હોવાથી મનાઇ હુકમની માંગણી કરી હતી.
આ મામલે ફેમિલી કોર્ટે દાવામાં મનાઇ હુકમ આપતાં મહિલાની ઓળખ હવે તલ્લાકશુદા મહિલા તરીકે નહીં થાય. કેસની વિગત એવી છે કે, હબીબા કુરેશીએ વડોદરાની કોર્ટમાં એપ્રિલ ૨૦૧૭માં દાવો દાખલ કરી તેમાં જણાવ્યું હતું કે, તેના પતિ હારૂનરશીદ મહંમદ કુરેશીએ ગુસ્સામાં ત્રણ વખત તલ્લાક… તલ્લાક…કહ્યું હતું અને ત્યાર બાદ રાત્રે તેને બહેનના ઘરે મૂકી ગયા હતા. દાવામાં વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેની સાથે અન્યાય થયો છે અને તલ્લાક તેને મંજૂર નથી. પતિના કૃત્યના કારણે પ્રતિવાદી (પતિ) કે, પછી કોઇ સગા સંબંધી તેને તલ્લાકસુદા સ્ત્રી તરીકે ઓળખ આપે કે, અપાવે નહીં અને તલ્લાકસુદા સ્ત્રી તરીકે તેને જીવન જીવવાની ફરજ પાડે પડાવે નહીં એટલે મનાઇ હુકમની માંગણી કરી હતી. એડવોકેટ નીરજ જૈને જણાવ્યું હતું કે, દાવામાં મનાઇ હુકમની માંગણી કરવામાં આવી હતી અને આજે ન્યાયાધીશે દાવામાં મનાઇ હુકમ આપતાં દેશનો પ્રથમ કેસ છે કે, જેમાં તલ્લાક અંગે મનાઇ હુકમ આપવામાં આવ્યો હોય. અદાલતે તલ્લાકના દાવામાં મનાઇ હુકમ આપતાં વાદી હબીબા કુરેશીની ઓળખ હવે સમાજમાં તલ્લાકશુદા મહિલા તરીકે નહીં થાય.