જય વિરાણી, કેશોદ:
રાજયભરમાં ભૂમાફિયાઓ વધી રહ્યા હોય તેમ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે. ત્યારે જૂનાગઢનાં કેશોદ તાલુકામાં સૌ પ્રથમ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે. કાલવાણી ગામે પિતા અને 2 પુત્રો એમ કુલ ત્રણ લોકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, કેશોદના રહીશ અને કાલગાણી ગામના ખાતેદાર મહિલા ફરીયાદી જયોત્સનાબેન ઓધવજીભાઇ બોરસાણિયાનાએ 3 વિરૂધ્ધ કલેક્ટરમાં ફરીયાદ કરી હતી. મહિલા ખેડૂતની આ ફરીયાદને ધ્યાને લઇ જીલ્લા કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતાં ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જ્યોત્સનાબેનની 6 વિઘા જમીન પર સેઢા પાડોશી માથાભારે પિતા પુત્રોએ ગેરકાયદે રીતે કબ્જો જમાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યુ છે. ગેરકાયદે કબ્જો કરનાર પિતા અને 2 પુત્રો (1) દાનુભાઇ પુનાભાઇ દયાતર, (2) રાજુભાઇ દાનુભાઇ દયાતર, (3) રણજીતભાઇ દાનુભાઇ દયાતર સામે કેશોદ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.