Abtak Media Google News
  • ચોમાસાના વરસાદ સાથે ધીંગા મસ્તીની મૌસમ
  • શેરી-વોંકળામાં પાણી ભરાતાને જોવાની મઝા પડતી: ભાઇબંધોની ટોળીની નહાવાની મઝા સાથે ભવ્ય વૈભવ હતો: મોટા ફળીયામાં પાણી ભરાતાને તેમાં છબછબીયા કરવાની મોજ હતી
  • ચાલુ વરસાદે કોથળો ‘રેઇન કોટ’ની ગરજ સારતો હતો: શાળા છૂટતી વખતે આવતો ‘લુચ્ચો’ વરસાદ સ્કૂલ બેગને પલાળી દેતો હતો: શિયાળો-ઉનાળો કરતા ચોમાસાની સંગત બાળથી મોટેરામાં ખુશી લાવતી હતી

‘બરખા રાની જરા જમ કે બરસો’ જેવા ઘણા ફિલ્મી ગીતોમાં વર્ષા ઋતુને ઘણુ મહત્વ આપેલ છે. પહેલાના વરસાદની ખુશી સાથે આનંદ હતો તો ‘દુ:ખભર દિન બીતે રે ભૈયા’ જેવા ગીતોમાં ધરતી પુત્રનો આનંદ છવાય જતો હતો. હજી ચાર-પાંચ દાયકા પહેલાની ચોમાસાની રંગત જેવી આજે મૂશળધાર વરસાદ પડે તો પણ નથી આવતી. શિક્ષણમાં લુચ્ચો વરસાદ કે પરીક્ષામાં વર્ષા ઋતુનો નિબંધ આવતો હતો. શનીવારની બાલ-સભામાં ચાલુ વરસાદે, વર્ગમાં કે શાળા છૂટતી વેળાએ આવ રે વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાકનું બાળગીત ગવાતું હતું.

જ્યારે આજે રેઇન…રેઇન ગો અવે જેવા અંગ્રેજી ગીતો ગવાય છે. એ જમાનામાં ચોમાસાના વરસાદ સાથે ધીંગા મસ્તીની મૌસમ હતી. શનીવારે જ્યારે વરસાદ આવતો ત્યારે બધા ‘હેલી’ની વાતો કરતા હતા.

આવું બાળપણ અને ચાલુ વરસાદે કે રહી ગયા બાદની રમતો રમીને શેર લોહી ચડી જતું હતું. ઘરે પણ મમ્મી (બા કે મા) ભજીયા, પુડલા, થેપલા જેવી ચટ્ટપટ્ટી વાનગી બનાવીને પેટ ભરીને જમવાનો આનંદ આપી જતો હતો. એ સમયે મોટા-મોટા વોંકળાને નદીઓ હોવાથી આજની જેમ શેરી અને વિસ્તારમાં પાણી ભરાતા નહી. ચોમાસું ભણવામાં ભૂગોળમાં આવતું કે 16મી જુને સૌરાષ્ટ્રમાં બેસતું, 1લી જુને કેરળમાં દસ્તક દીધા બાદ 10મી જુને મુંબઇમાં અચૂક આવતું હતું. ત્યારે વૃક્ષો હોવાથી અને ગ્લોબલ વોર્મિંગ જેવી કોઇ સમસ્યા ન હોવાથી ઋતુચક્રોમાં ઓછા ફેરફાર જોવા મળતા હતા.

એ જમાનામાં બે કાંઠે છલકાતા વોંકળા જોવા આખી શેરી-મહોલ્લો પલણીને જોવા આવતા હતા. ગામડાંના પાદરે જુવાનીયાની ટોળી કોઇ તણાય ન જાય તે માટે ખડેપગે ઉભા રહેતા હતા. ઘર બહારના ઓટલા કે બારીમાંથી વરસાદ જોવાની મજા પડી જતી હતી. શેરીના ભાઇબંધો જ નિશાળના ભાઇબંધો હોવાથી ‘રાડ’ પાડીને ટોળી ભેગી કરી લેતા અને ચાલુ વરસાદે ખૂબ જ રમતા હતા. રાત્રે મૂશળધાર વરસાદ પડ્યો હોય ત્યારે મા-બાપ સવારે ઉઠીને બધી જ વાત કરતા હતા. શેરીમાં રહેતા તમામ લોકો હળી-મળીને રહેતા અને એકબીજાને મદદ પણ કરતાં હતા.

એ જમાનામાં સાંબેલાધારે વરસાદ પડતોને લોકો પૂર જોવા જતા હતા. ચોમાસા પહેલા તૂટેલા નળીયા કે પતરામાંથી પડતા ચુંવાકને રીપેર કરવા લોકો ઉપર ચડતા હતા. વરસાદમાં પલળવાનો આનંદ હતો અને એ વખતે રેઇનકોટ જેવું કંઇ ન હોવાથી કોથળાથી શરીર ઢાંકીને વસ્તુ લેવાના આનંદ હતો. શિયાળા-ઉનાળા કરતાં સૌને ચોમાસામાં મોજ પડી જતી હતી. કારણ કે વરસાદ પડવાથી ખેતીમાં સોનું ઉગતુંને વરસ સારૂં જતું હતું. હોળીના દિવસે ચોમાસાનો વરતારો અગ્નિની જાળ પરથી અનુમાન કરાતો હતો.

એ જમાનામાં આખો દિવસ વરસાદ આવે તો પણ શાળાના સમય 12 થી 5માં વરસાદ ઓછો આવતો હતો. મૂશળધાર વરસાદમાં મા-બાપ છત્રી લઇને તેડવા અચુક આવી જતાં. એ જમાનામાં ઘરની આસપાસની શાળામાં બાળકોને ભણવા બેસાડતા હતા. શાળામાં શિક્ષક કે મોટા સાહેબ છૂટતી વખતે પાણી ભરાયા હોય તો સીધા ઘરે જવાની સૂચના આપતા તો ઘણીવાર બાળકોને હાર બંધ કરીને મૂકવા પણ જતા હતા. બાળથી મોટેરા પોતાની ટોળી જમાવીને બહારની ઓફિસના ઓટે બેસીને વરસાદની મોજ માણતા હતા, ગાય, બકરી, કૂતરા જેવા પ્રાણીઓ પણ ઘર આગળ પલળે નહી તેવી રીતે બચીને ઉભા રહેતા હતા. શેરીમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા પણ તેના વહેણનો નિકાલ વોંકળા તરફ હોવાથી થોડીવારમાં પાણી ઉતરી જતાં હતા.

ચોમાસાની ઋતું બધા માટે તથા આર્થિક વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યની હોવાથી સારા વરસાદથી લોકોના ચહેરા ઉપર આનંદ છવાઇ જતો હતો. એ જમાનામાં પણ દુષ્કાળ પડતો હતો. પણ એકબીજાના સહયોગ લોકોના આઠ માસ ટુંકા થઇ જતા હતા. પહેલા વરસાદે માટીની ભીની-મીઠી સુગંધ મનને મોહી લેતી હતી. આકાશે પીળી શ્રાય સાથે સોનેરી પ્રકાશ તો ઘણીવાર સપ્તરંગી મેઘ ધનુષ જોવાની મઝા પડી જતી હતી. છાપરામાંથી પડતા નેવાનો વરસાદી અવાજ સંગીતનો સાત સુરો રેલાવતા હતા. ભીમ અગિયારસે વરસાદ તેનું ટાણું અચુક સાચવી લેતો હતો, તો સારા વરસાદે ખેડૂત પણ વાવણી કરીને સારા પાકની આશામાં કાર્યરત થઇ જાય છે.

આજની જેમ પહેલા કશું જ પલળવાની ચિંતા ન હતી, તો આજે તો સૌ પ્રથમ ‘મોબાઇલ’ને બચાવતા સૌ કોઇ જોવા મળે છે. પહેલા વરસાદને સૌ માણતા હતા, જીવતા હતા, તો આજે સિમેન્ટના જંગલો વચ્ચે ‘કોરા’ રહીને વર્ષા ઋતુને માણતાં હોવાથી આપણને પહેલા જેવા વરસાદની ખબર જ નથી. આગામી વર્ષોમાં કદાચ આપણાં સંતાનોને વરસાદનો વીડિયો બતાવીને સમજ આપવી પડશે, તે દિવસો દૂર નથી. કારણ કે આપણાં સ્વાર્થ માટે વૃક્ષોને કાપી રહ્યા છીએ. કવિ-સાહિત્યકારોએ વરસાદને રોમેન્ટિક સાથે સાંકળીને ઘણા શ્રેષ્ઠ યુગલ ગીતો હિન્દી ફિલ્મોએ આપ્યા છે. પહેલા વરસાનું માતમ-શુકન સાથે ગમતાંનો ગુલાલ સમાન મિલનની પળોની ભિનાશ હોય છે. વરસાદ સાથે પ્રેમ અને પ્રેમ સાથે વરસાદ માનવીના ભાવને સમાન ઉજાગર કરે છે.

વરસતો વરસાદ અને હાથમાં ‘ચા’નો કપ

વરસાદ આવે એટલે આપણને સ્વાદનો ચટકો જરૂર લાગે તેથી ગાંઠીયા-ભજીયા સાથે ગરમા-ગરમ ‘ચા’નો કપ વૈભવી સુખ આપે છે. બધી ઋતુમાં સૌથી સુંદર ઋતુ ચોમાસાની છે, તેના આગમને જ આપણી આસપાસનું વાતાવરણ હરિયાળું અને રમણિય બની જાય છે. ધીમી ધારે આવતા વરસાદમાં પલળવાની મોજ કંઇક ઔર જ હોય છે. કાળા ડિબાંગ વાદળોને આવતો ઠંડો પવન તેના આગમનની છડી પોકારે ત્યારે મોરલાનો ટહુકાર વાતાવરણમાં ચાર ચાંદ લગાવી દે છે.

ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે બાર પ્રકારના મેઘનું વર્ણન

ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીયા, નેવાધાર, મોલમેહ, અનરાધાર, મૂશળધાર, ઢેફો ભાંગ, પાણ મેહ, હેલી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.