30 ઓક્ટોબર 2022ની સાંજના 6 વાગ્યાની ઘડી સમગ્ર મોરબી માટે કાળ બનીને આવી, મોરબીની શાન સમાન ઝૂલતો પુલ બ્રીજ દરબાર ગઢ તરફના છેડાનો એક કેબલ કડાકા સાથે તૂટી પડ્યો અને હસતા રમતા નાના બાળકો યુવાનો સહિત લગભગ 300 જેટલા લોકો તેના પરથી નદીમાં ખાબક્યા અને મરણચીસો ઉઠી, જોત જોતામાં 31 બાળકો સહિત 135 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. રવિવારની એ રાતે મોરબીએ ફરી મોતનું તાંડવ જોયું. મોરબીના માર્ગો પર માત્ર એમ્બ્યુલન્સની સાયરનના અવાજ કાનમાં ગુંજતા હતા. મોરબીની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ જ્યાં જુઓ ત્યાં બસ મૃતદેહ સિવાય બીજું કશું દેખાતું ન હતું જેમના પણ સ્વજન ઝુલતા પુલમાં ફરવા ગયા હતા તે પરિવારની આંખ તેના સ્વજનને શોધવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અને ત્યાંથી ત્રીજી એમ અલગ ફરતા હતા.
આનંદ કિલ્લોલ કરતી મેદની પલવારમાં મોતના શોકમાં ડુબી
દિવાળીની રજા બીજા દિવસે પૂર્ણ થતી હોવાથી લોકો છેલ્લા દિવસે
આખો દિવસ એટલી ભીડ હતી કે પગ મુકવાની જગ્યા ન હતી. ઘટના બનતા સૌ પ્રથમ મચ્છુ નદી આસપાસ સ્વામીનારાણ મંદિરમાં મજૂરી કરતા શ્રમિક યુવાનો નદીમાં કુદી લોકોને બચાવવા દોડી ગયા હતા આ ઉપરાંત ત્યાં માછીમારી કરતા યુવાનો તેની નાની ટાયર ટ્યુબ લઇ દોડ્યા હતા. ફાયર વિભાગ, 108ની ટીમ તેમજ મોરબી જિલ્લા પોલીસની ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી. જો કે તેઓ પહોંચે તે પહેલા ઘણા બધા લોકો મોતને ભેટી ચુક્યા હતા.
30 ઓક્ટોબર 2022ની સાંજે બનેલ ગોઝારી ઝૂલતાપુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી જવાબદારો સામે કડક હાથે કામગીરી કરવા નિર્દેશો આપવાની સાથે પીડિત પરિવારોને ઝૂલતા પૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપની પાસેથી યોગ્ય વળતર અપાવવામાં પણ નિમિત્ત બની છે. તો બીજી તરફ અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલ અને કંપનીના મેનેજરો પણ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે ઘટનાના એક વર્ષ પછી પણ મૃતકોના પરિવારો પોતાના પરિવારજનોની ખોટને ભૂલી શક્યા નથી અને એક સમયે મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ હાલમાં માત્ર કાટમાળ બનીને લટકી રહ્યો છે. જે અહીંથી આવતા જતા લોકો આ દુર્ઘટનાને ભૂલી શકતા નથી.
આ ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના દિવાળીના તહેવારના દિવસોમાં પરિવાર સાથે ઝૂલતા પૂલ પર ફરવા આવેલા અનેક પરિવારો માટે અંતિમ તારીખ બની હતી. ઝૂલતો પુલ તૂટી પડતા કોઈના ઘરના એક, તો કોઈના ઘરના બે કે કોઈના ઘરના આઠ -આઠ સભ્યોની અર્થીઓ ઉઠતા આખું મોરબી હીબકે ચડ્યું હોય તેવી દુર્ઘટના સર્જાઈ હતી. અને બીજી તરફ ગંભીર દુર્ઘટના જોતા કેન્દ્ર-રાજ્ય સરકારે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોને બચાવ કામગીરીમાં ઉતારી દીધી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા અને પીડિત પરિવારોના દુ:ખમાં તેમના આંસુ લુછવા મોરબી આવ્યા હતા.મોરબી ઝૂલતાની દુર્ઘટનામાં આટલી મોટી સંખ્યામાં જિંદગીઓ હોમાઈ ગઈ હોય ત્યારે પોલીસે પૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત ઝૂલતા પૂલના ટિકિટ ક્લાર્ક, પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર તેમજ ચોકીદાર સહીત 9 લોકો સામે ગુન્હો નોંધી તમામની તાત્કાલિક ધરપકડ કરી હતી તો સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી એટલે કે સીટની રચના કરી હતી. આ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરી પીડિત પરિવારોને સરકાર તરફથી યોગ્ય વળતર અને જવાબદાર કંપનીને પણ વળતર ચૂકવવા આદેશ જારી કરી પીડિતોના પરિજનોને તેમજ નિરાધાર બનેલા બાળકો માટે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
તપાસનીશ પોલીસ ટીમે ઝૂલતાપૂલ કેસમાં અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલને આરોપી દર્શાવતા આ કેસમાં જયસુખ પટેલ પણ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે, 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં હજુ પણ અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલ, બે મેનેજર અને કોન્ટ્રાકટર પિતા-પુત્રને હજુ સુધી જામીન મળેલ નથી.
જ્યારે ઝૂલતા પૂલના પીડિત પરિવારોના ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન દ્વારા જયસુખભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી 302 મુજબ ગુન્હો દાખલ કરવા માંગ કરવામાં આવી છે. ઝૂલતા પૂલના મૃતાત્માઓના મોક્ષાર્થે મોરારીબાપુ દ્વારા મોરબીમાં રામકથા પણ યોજવામાં આવી હતી જેમાં કથાના સમાપન પ્રસંગે મોરારીબાપુના એક નિવેદનથી મામલો ગરમાયો હતો. તો અજંતા ઓરેવા ગ્રુપના વડીલ ઓ.આર.પટેલની પુણ્યતિથિ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન કરી એકતાનો પરિચય કરાવામાં આવ્યો હતો. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા 135 નિર્દોષ લોકોના પરિવારજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે. અને મોરબીની પ્રજા પણ આ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને ભૂલી શકતા નથી.