વડાપ્રધાન મોદીની ખાસ કાર સહિતના સાધન સામગ્રી વિમાન મારફત રાજકોટ પહોંચી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ તેમના ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. વડાપ્રધાનનાં આગમન અંતર્ગત હાલ રાજકોટનાં બંને એરપોર્ટ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સનાં બોઇંગનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી.પ્રધાનમંત્રીનાં આગમન સુધી હવે હીરાસર એરપોર્ટ એરફોર્સ ઉપરાંત પ્રધાનમંત્રીનાં ખાસ સિક્યુરિટી સ્ટાફના હવાલે કરવામાં આવ્યું છે.
ગુરૂવારે વડાપ્રધાન દ્રારા હિરાસર એરપોર્ટના ઉદઘાટનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈ રિજિયોનલ એકિઝકયુટીવ ડિરેકટર રાધાક્રિષ્ના, સીઆઇએસએફના ડીજી નિતુ સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ નવા એરપોર્ટ પર જવાબદારી સંભાળી લીધી છે. આ સાથે જ સીઆઈએસએફનાં 90થી વધુ જવાનો અને સ્પેશિયલ પ્રોટેકશન ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એરફોર્સના 737 બોઇંગનું પ્રથમવાર લેન્ડીંગ કરવામાં આવતા ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઇ હતી. આ તકે વડાપ્રધાનની ગાડીઓ પણ ખાસ પ્લેન મારફતે આવી પહોંચી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ હીરાસર અને બાદમાં જુના એરપોર્ટ ખાતે આવવાના હોવાથી હાલ બન્ને એરપોર્ટ પર તેમના કાર્યક્રમને લઈ હાલ તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે વડાપ્રધાનની ગાડીઓને લઇ એરક્રાફટ આવ્યું હતું. ત્યાર બાદ સ્પેશ્યલ પ્રોટેકશનની ટુકડીઓ અને સુરક્ષા જવાનોનું આગમન થઇ ગયું છે.
અને તેમણે એરપોર્ટ પર સુરક્ષાને લાગતી તમામ જવાબદારીઓ પણ સંભાળી લીધી છે. ત્યારે હવે આગામી 27 જુલાઈ સુધી નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ એરફોર્સની સુરક્ષામાં રહેશે.