કૌટુંબીક ઝઘડો અને મહિલાઓ સામે જોવાના કારણે જોટામાંથી કરેલા ફાયરિંગથી નાસભાગ
શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતા કૌટુંબીક પરિવાર વચ્ચે જૂની અદાવત ચાલતી હોવાના કારણે મહિલાઓ સામે કેમ જોયુ તેમ કહી જોટામાંથી ફાયરિંગ કરી તલવારથી હુમલો કરતા મહિલા સહિત ચાર ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતા પ્રતિકને અમારા બૈરા સામે કેમ જોયુ કહી પ્રેમજી ટપુ ડાભી, મયુર પ્રેમજી ડાભી, મનસુક ટપુ અને ચિરાગ મનસુખ ડાભી નામના શખ્સોએ ઝઘડો કરી જોટામાંથી ફાયરિંગ કરી તલવારથી હુમલો કરતા કમલેશ ગોરધન મકવાણા, રીટાબેન ભાવિનભાઇ , ચંદુભાઇ સુખાભાઇ અને પ્રતિક ભરતભાઇ ઘવાતા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કમલેશભાઇ ગોરધનભાઇ મકવાણા અને પ્રેમજી ટપુ ડાભી વચ્ચે અગાઉ મહિલાના અપહરણના પ્રશ્ર્ને અદાવત ચાલતી હોવાથી મહિલાઓ સામે કેમ જોયુ કહી ઝઘડો થયો હોવાથી પ્રેમજી ડાભીએ જોટામાંથી ચાર થી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ હતી. મયુર પ્રેમજી ડાભી નામના શખ્સે તલવારથી નિલમબેન પર હુમલો કર્યો હતો. બંદુકમાંથી છુટેલી ગોળીના છરા એક સાથે ચાર વ્યક્તિઓને ઘસી જતા ઘવાયા હતા. બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં હોળીની રાતે થયેલા ફાયરિંગના કારણે થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફરી અથડામણ ન થયા તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પ્રેમજી ટપુ ડાભી સહિત ચાર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.