મોડી રાત્રે મકાન પર ટોર્ચની લાઇટ ફેકતા પાડોશીએ ઘરમાં ધુસી ગોળી ધરબી દીધી
ચુડાના ચોકડી ગામે નજીવી બાબતે બે રાઉન્ડ ગોળીબાર થયો હતો. ટોર્ચથી લાઇટ કરવાની બાબતે થયેલા ગોળીબારમાં રર વર્ષના દિવ્યાંગ ઘનશ્યામાઇ મેમકિયા નામના યુવાનને ઇજા થઇ હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હોય તેમ નજીવી બાબતે ગોળીબાર થઇ રહ્યા છે. સુ.નગર જીલ્લો છોટા બિહાર બની ગયું હોય તેમ ચુડાના ચોકડી ગામે ટોચમાંથી લાઇટ કરવા જેવી બાબતે ઘરમાં ધૂસી બે રાઉન્ડ કરાયેલા ગોળીબારમાં દિવ્યાંગ મેમકિયા નામના યુવાનને ઇજા થઇ હતી. બે દિવસ પહેલા આ યુવાન તેના ઘર પાસે ઉભો રહીને ટોર્ચથી લાઇટ ફેંકતો હતો. આ લાઇટ પાડોશમાં રહેતા મહાવીરસિંહ ભવાનસિંહ સિંધવના મકાન પર પડતી હતી.
આથી મહાવીરસિંહે ટોર્ચથી લાઇટ ન ફેંકવાનું દિવ્યાંગને કહ્યું હતું. આ બાબતે બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. તેનું મનદુ:ખ રાખીને ગઇરાત મહાવીરસિંહ બંદુક સાથે દિવ્યાંગનાં ઘરમાં ધુસ્યો હતો. અને ખાટલામાં સૂતેલા દિવ્યાંગ મેમકિયા પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.ભડાકાના અવાજ થતાં ઘરના અન્ય સભ્યો જાગી ગયા હતા. ઇજાગ્રસ્ત દિવ્યાંગને પ્રથમ ચુડા અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. આ બનાવ અંગે મહાવીરસિંહ સિંધવ સામે ગુનો નોંધીને પીએસઆઇ રામદેવસિંહ ગોહીલે તપાસ હાથ ધરી હતી.