મામા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભાણેજ પર ફાયરીંગ કરી બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
અબતક, રાજકોટ
રાજકોટમાં ગઇકાલ મોડી રાત્રિનાં ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મામા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી લક્ષ્મીવાડીના શખ્સે ભાણેજ પર ફાયરીંગ કરી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી ત્યાંથી નાશી ગયો હતો. બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતાં પોલીસે શખ્સ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા મોહિતભાઇ દિનેશભાઇ વાઘેલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તે ગઇકાલ રાત્રિના સમયે તેના મિત્ર મનીષ સાથે લક્ષ્મીવાડી શેરી નં.6માં બેઠો હતો ત્યારે આરોપી જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ ફોરર્ચ્યુનર કારમાં ઘસી આવી અને મોહિતને “તુ કેમ અહીં બેઠો છો” કહી તેના પર રિવોલ્વર તાની ફાયરીંગ કર્યું હતું. જેમાં મોહિત નીચે નમી જતા તે બચી ગયો હતો અને બાદમાં આરોપીએ બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી તેઓને ગાળો ભાંડી ત્યાંથી નાશી ગયો હતો. બનાવનું કારણ હતું કે આજથી દસ મહિના પહેલા આરોપી જયદિપસિંહ ઝાલાને ફરિયાદી મોહિતનાં મામા સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી ભાણેજ પર ફાયરીંગ કર્યું હતું. બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોહિતની ફરિયાદ પરથી જયદિપસિંહ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.