- સરકાર સામે ઉગ્ર વિરોધ વચ્ચે દેશની કમાન સેનાને સોંપાઈ તેવી પણ શકયતા
- પંજાબના વજીરાબાદની રેલીમાં ગોળીબારથી એકનું મોત, પૂર્વ વડાપ્રધાનને પગમાં ત્રણ ગોળી લાગી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઈમરાન ખાનની રેલીમાં થયેલા ગોળીબારમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના સાંસદ ફૈઝલ જાવેદ સહિત એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ઇમરાન ખાન પણ આ હુમલામાં ઘાયલ થયા છે. આ હુમલાના વિરોધમાં ઈમરાન ખાનના સમર્થકોએ દેશભરમાં દેખાવો શરૂ કર્યા છે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ શરૂ કરાયો છે. આ સમગ્ર ઘટના બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ વણસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર હુમલા બાદ હવે પાકિસ્તાનમાં શું થવાનું છે? શાહબાઝ શરીફની સરકાર આ સ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરી શકશે અને તેના માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?
રિપોર્ટ અનુસાર, ઈમરાનની કૂચ પંજાબના વજીરાબાદ વિસ્તારમાં પહોંચી હતી. જે ક્ધટેનર પર તે હાજર હતા તેની નજીક ફાયરિંગ થયું હતું. પીટીઆઈ નેતા ઈમરાન ઈસ્માઈલે જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનના બંને પગમાં ત્રણ ગોળીઓ લાગી છે, જેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવી છે.
ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ કરનાર વ્યક્તિનું પહેલું નિવેદન સામે આવ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ તેણે કહ્યું કે અઝાન વખતે ઈમરાન ખાન ડીજે વગાડાવતો એટલો હુમલો કર્યો છે. કેટલાક રિપોર્ટ્સમાં હુમલાખોરનું નામ ફૈઝલ અને કેટલાકમાં જાવેદ ઈકબાલ જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં હુમલાખોર ઈમરાન ખાનની હત્યાની વાત કરી રહ્યો છે. તેણે કહ્યું કે ઈમરાન દેશને ગુમરાહ કરી રહ્યો છે, એટલા માટે તે તેને મારવા માંગતો હતો. હવે કેવી છે ઈમરાન ખાનની હાલત?
ઈમરાન ખાનને બંને પગમાં ત્રણ ગોળીઓ છે, જે સર્જરી દ્વારા દૂર કરવામાં આવી છે. બુલેટના કેટલાક ટુકડા હજુ પણ હાજર છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની હાલત સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે. હુમલા બાદ, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) એ કહ્યું કે તે સુરક્ષા અને સ્થિરતા સામે કોઈપણ ખતરા સામે ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સાથે છે અને તેને અને દેશની રાજકીય સ્થિરતા અને સમૃદ્ધિની ઈચ્છા
કરે છે. પાકિસ્તાનમાં વાતાવરણ વધુ ગરમ થઈ ગયું છે. હવે આગામી દિવસોમાં પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી શકે છે. ઈમરાન ખાનના સમર્થકો વધુ ગુસ્સે થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા સમગ્ર કમાન્ડ સેનાને સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં માર્શલ લો અને કેટલાક અન્ય સમાન પગલાં લેવામાં આવી શકે છે. જેના કારણે થોડા સમય માટે સંપૂર્ણ સત્તા સેનાના હાથમાં આવી શકે છે.